જેસલમેરમાં હની ટ્રેપ જાળમાં ફસાઈ ગયેલ ભારતીય જવાન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જેસલમેર : રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક લશ્કરી કર્મીને હની ટ્રેપમાં ફસાઈ જવા અને સંવેદનશીલ ગુપ્ત માહિતીઓ પાકિસ્તાન મોકલવાના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે, પાકિસ્તાની મહિલા એજન્ટની જાળમાં ફસાઈને આ કર્મીએ વોટ્‌સએપ મારફતે સેના સાથે જાડાયેલી ગુપ્ત માહિતી મોકલી હતી જેની માહિતી મળ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

ધરપકડ કરવામાં આવેલા લશ્કરી જવાનની જયપુર લાવીને પુછપરછ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના એડિશનલ પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ કહ્યું છે કે, આ કેસમાં લશ્કરી જવાન સોમવીરને શુક્રવારે મોડી રાત્રે પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને જયપુર લાવીને પુછપરછ કરવામાં આવી રહી છે. સેનાને આ બાબતના ઇન્પુટ મળ્યા હતા કે, તે સોશિયલ મિડિયા ઉપર ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યો હતો. ત્યારબાદ પોલીસે તેના ઉપર ચાંપતી નજર રાખી હતી.

મિલેટ્ર્‌ ઇન્ટેલીજન્સના અધિકારીઓ તેના ઉપર નજર રાખી રહ્યા હતા. કોઇ મહિલા એજન્ટની જાળમાં આ જવાન ફસાઈ ગયો હતો. આ મહિલા તેને ટ્રેનિંગ દરમિયાન મળી હતી. જેસલમેરમાં પોતાની તૈનાતી દરમિયાન સોમવીરે કેટલીક સંવેદનશીલ માહિતી મોકલી હતી. સોમવીરે મહિલા એજન્ટના સંપર્કમાં હોવાની અને ગુપ્ત માહિતી ઉપલબ્ધ કરાવી હોવાની કબૂલાત કરી છે. આઈએસઆઈએસના સંપર્કમાં હોવાની વાત પણ કબૂલી લીધી છે. સેનાના અધિકારીઓના કહેવા મુજબ મામલાની જડ સુધી પહોંચવા પોલીસની પુરતી મદદ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તેની પુછપરછથી નવી વિગત ખુલી શકે છે.

Share This Article