India vs Sri lanka: એશિયા કપ 2025ની ફાઈનલ પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે ટુર્નામેન્ટમાં સુપર ચારની મેચ છેલ્લી ઓવર સુધી રમાઈ હતી. આ મેચ હાઈ સ્કોરિંગ હતી. પહેલીવાર કોઈ ટીમે 200થી વધુ રન ટી20 એશિયા કપની આ સિઝનમાં બનાવ્યાં હતા અને આ એટલો જ સ્કોર શ્રીલંકાની ટીમ પણ બનાવ્યો. જેના કારણે મેચ ટાઈ થઈ હતી. છેલ્લી ઓવરમાં ખૂબ ડ્રામા જોવા મળ્યો, જ્યારે ભારતીય ફીલ્ડર્સના હાથમાં બોલ છટકી રહ્યો હતો.
ટી20 એશિયા કપના ઇતિહાસની આ પહેલી મેચ હતી, જેમાં બંને ટીમોએ 200–200થી વધુ રન બનાવ્યા અને કોઈ ટીમ જીત મેળવી શકી નહીં. મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્યું, જેમાં ભારતે સરળતાથી જીત મેળવી. શ્રીલંકાએ પાંચ બોલમાં પોતાની બે વિકેટ ગુમાવી. તેઓ માત્ર એક રન જ બનાવી શક્યા અને એક રન વાઈડથી મળ્યો. આમ, ભારતીય ટીમને ફક્ત 3 રનની જ જરૂર હતી. સુપર ઓવરમાં ભારત માટે બેટિંગ કરવા સુર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ઉતર્યા. પહેલી જ બોલ પર 3 રન દોડી ભારતે આ સુપર ઓવર પૂર્ણ કર્યો અને સુપર 4ની છેલ્લી મેચ પણ પોતાના નામે કરી.
આ મેચની વાત કરીએ તો શ્રીલંકાના કપ્તાન ચરિત અસલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારત તરફથી અભિષેક શર્માએ 31 બોલમાં 61 રન બનાવ્યા, તિલક વર્માએ 34 બોલમાં નોટઆઉટ 49 રન બનાવ્યા અને સંજુ સેમસને 23 બોલમાં 39 રન બનાવ્યા. અક્ષર પટેલે પણ 15 બોલમાં 21 રનની ઇનિંગ રમી. બીજી તરફ, શ્રીલંકાના 4 બોલરોને એક-એક વિકેટ મળી. ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી પથુમ નિસંકાએ 58 બોલમાં 107 રન બનાવ્યા અને કુસલ પરેરાએ 32 બોલમાં 58 રન બનાવ્યા. દાસુન શાનાકાએ 11 બોલમાં 22 રન બનાવ્યા, જેના કારણે મેચ સુપર ઓવર સુધી ગઈ.
શ્રીલંકાને જીત માટે છેલ્લી ઓવરમાં 12 રનની જરૂર હતી. હર્ષિત રાણાએ આ ઓવર ફેંકી. પહેલા જ બોલ પર શતકવીર પથુમ નિસંકા આઉટ થઈ ગયો. લાગ્યું કે નવો બેટ્સમેન આવ્યો એટલે ભારત જીતશે. પરંતુ બીજી બોલ પર જનિથ લિયાનાગેએ 2 રન લીધા. ત્રીજી બોલ પર એક રન મળ્યો. હવે ક્રિઝ પર દાસુન શાનાકા હતો. ચોથા બોલ પર તેમણે 2 રન લીધા અને પાંચમી બોલ પર ચોગ્ગો ફટકાર્યો. છેલ્લા બોલ પર જીત માટે 3 રનની જરૂર હતી. શાનાકાએ મારવાનો પ્રયત્ન કર્યો, પણ બોલ બેટ પર ન લાગ્યો અને મિડ-ઓન તરફ ગયો. તેમણે ઝડપથી પહેલો રન લીધો અને બીજાના માટે દોડ્યા. ત્યાં અક્ષર પટેલથી મિસફિલ્ડ થઈ અને બે રન પૂરા થયા. મિસફિલ્ડમાં ત્રીજો રન પણ મળી શક્યો હોત, પરંતુ વિકેટકીપર એન્ડ પર શાનાકાએ પોતાને બચાવવા માટે ડાઇવ લગાવી. આમ, મેચ ટાઇ થઈ ગયો.
સુપર ઓવર
શ્રીલંકા માટે કુસલ પરેરા અને દાસુન શાનાકા બેટિંગ કરવા ઉતર્યા. અર્શદીપ સિંહે બોલિંગ સંભાળી. પહેલા બોલ પર કુસલ પરેરા આઉટ થયો, રિંકુ સિંહે તેમનો કેચ પકડ્યો. આગલા બોલ પર કમિન્દુ મેન્ડિસ આવ્યો અને એક રન લીધો. ત્રીજો બોલ ખાલી રહ્યો. ચોથો બોલ વાઈડ ગયો. ફરીથી ચોથો બોલ ફેંકાયો, જેમાં શાનાકા કેચ આઉટ અપાયો, પણ સાથે સંજુએ થ્રો કર્યો. શાનાકાએ તરત જ DRS લીધો, કારણ કે તેઓ કેચ આઉટ નહોતા. બોલ સંજુ સુધી પહોંચતાં જ ડેડ જાહેર થયો હતો. થર્ડ અંપાયરે નિર્ણય બદલ્યો અને શાનાકા ફરીથી બેટિંગ કરવા ઉતર્યો, પરંતુ આગળની બોલ પર ફરીથી કેચ આઉટ થઈ ગયો. આમ, શ્રીલંકા માત્ર 2 રન જ બનાવી શક્યું.
ભારત માટે સુર્યકુમાર યાદવ અને શુભમન ગિલ બેટિંગ કરવા આવ્યા. વાનિંદુ હસરંગાએ બોલિંગ કરી. પરંતુ, સુર્યાએ પહેલો જ બોલ ગેપમાં મારી અને 3 રન દોડી મેચ ફિનિશ કરી. હવે ભારતની ટક્કર ફાઈનલમાં 28 સપ્ટેમ્બરે પાકિસ્તાન સાથે છે.