ભારત કે સાઉથ આફ્રિકા, બંનેમાંથી કોઈપણ ટીમ જીતે, મહિલા વર્લ્ડ કપમાં રચાશે નવો ઇતિહાસ

Rudra
By Rudra 2 Min Read

India Women vs South Africa Women Final: મહિલા વર્લ્ડ કપ 2025ની સેમીફાઈનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવીને ટુર્નામેન્ટની ફાઈનલની જગ્યા બનાવી છે. હવે ફાઈનલમાં ટીમ ઇન્ડિયા સામનો સાઉથ આફ્રિકા સામે 2 નવેમ્બરે થશે. આ મેચ નવી મુંબઈના ડીવાઈ પાટિલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. જ્યારે સાઉથ આફ્રિકન ટીમની કામાન લૌરા વોલ્વાર્ટના હાથમાં છે.

દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 125 રને હરાવ્યું હતું, ત્યારે ટીમ માટે લૌરા વોલ્વાર્ટે ધમાકેદાર 169 રનની ઇનિંગ રમી હતી. તેના દમ પર આફ્રિકન ટીમ પહેલી વાર મહિલા વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. બીજી તરફ ભારતીય ટીમે સેમિફાઇનલમાં મજબૂત ઓસ્ટ્રેલિયા સામે 339 રનનું ટાર્ગેટ સહેલાઇથી ચેઝ કરી લીધું હતું. ભારત માટે જેમિમા રોડ્રિગ્ઝે સંયમપૂર્વક બેટિંગ કરી હતી અને 127 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય કપ્તાન હરમનપ્રીત કૌરનાં બેટમાંથી 89 રન નીકળ્યા હતા.

હવે 2 નવેમ્બરે ભારત જીતે કે દક્ષિણ આફ્રિકા, દુનિયાને મહિલા વર્લ્ડ કપમાં એક નવો ચેમ્પિયન મળશે. કારણ કે આ બે ટીમોમાંથી કોઈએ પણ અત્યાર સુધી ખિતાબ જીત્યો નથી. એટલે જે ટીમ જીતશે તે ઇતિહાસ રચી દેશે.

ભારત સામેની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 338 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે ફીબી લિચફિલ્ડે સદી ફટકારી અને 119 રન બનાવ્યા હતા. તેમના સિવાય એલિસ પેરી અને એશ્લી ગાર્ડનરે અડધી સદી ફટકારી હતી. આ ખેલાડીઓના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમ મોટો સ્કોર ઉભો કરી શકી હતી.

ત્યારબાદ ભારત માટે જેમિમા રોડ્રિગ્ઝે ખૂબ જ સંયમથી બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાના બોલરોને કોઈ તક આપી નહોતી. તેમણે 134 બોલમાં કુલ 127 રન બનાવ્યા હતા. કેપ્તાન હરમનપ્રીત કૌરે સાથ આપ્યો અને 89 રન બનાવ્યા હતા. ઋચા ઘોષે 26 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ટીમ જીત હાંસલ કરવામાં સફળ રહી હતી.

Share This Article