વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડ સામે 2-1થી હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમે પ્રથમ ટી20 મેચમાં 48 રનથી શાનદાર જીત મેળવી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં ઉત્તમ પ્રદર્શન કર્યું, પરંતુ તેમ છતાં ટીમની એક મોટી નબળાઈ પણ સામે આવી, જેના કારણે ફેન્સ ચિંતામાં પડી ગયા છે. ખાસ કરીને જ્યારે 2026 ટી20 વર્લ્ડ કપ હવે માત્ર 20 દિવસમાં શરૂ થવાનો છે, ત્યારે આવી ભૂલો ટીમ માટે ભારે પડી શકે છે.
અત્યંત ખરાબ ફીલ્ડિંગ
ન્યૂઝીલેન્ડ સામેના પ્રથમ ટી20 મેચમાં ભારતીય ખેલાડીઓએ ફીલ્ડિંગ દરમિયાન અનેક કેચ છોડ્યા અને એક રનઆઉટન તક પણ ગુમાવી. જોકે 239 રનના મોટા ટાર્ગેટનો બચાવ કરતી વખતે આ ભૂલોની ખાસ અસર ન થઈ, પરંતુ ઓછા સ્કોરવાળી મેચોમાં આવી ચૂક ટીમને ભારે પડી શકે છે.
સરળ કેચ છોડાયા
19મી ઓવરમાં, જ્યારે મિચેલ સેન્ટનર અર્શદીપ સિંહના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ઈશાન કિશને ડીપ મિડવિકેટ પર એક સરળ કેચ છોડ્યો. એ પહેલાં, 11મી ઓવરમાં જસપ્રીત બુમરાહના બોલ પર રિંકૂ સિંહે સ્ક્વેર લેગ પર માર્ક ચેપમેનનો એક ઊંચો કેચ છોડ્યો હતો, જેના કારણે ચેપમેનને વધુ એક જીવનદાન મળી ગયું.
સંજુથી પણ થઈ ભૂલો
પ્રથમ ઓવરમાં સંજુ સેમસને એક શાનદાર કેચ પકડી લીધો હતો, પરંતુ ત્યારબાદ તેમણે એક કેચ ટપકાવ્યો અને એક રનઆઉટનો મોકો પણ ગુમાવ્યો. રિંકૂ સિંહના એક થ્રો પર ગ્લેન ફિલિપ્સ ઘણો પહેલા જ રનઆઉટ થઈ શકતો હતો, પરંતુ સંજુ બોલ પકડીને ગિલ્લીઓ ઉડાવવામાં ચૂકી ગયો.
ચિંતાજનક આંકડા સામે આવ્યા
એક સમય સુધી ટીમ ઇન્ડિયા ફીલ્ડિંગમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી હતી, પરંતુ એશિયા કપ 2025 પછીથી ટીમના ફીલ્ડિંગ આંકડા શરમજનક રહ્યા છે. એશિયા કપથી લઈને અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ટીમે કુલ 26 કેચ છોડ્યા છે. આવી સ્થિતિમાં ટી20 વર્લ્ડ કપ પહેલા આ ખૂબ જ ચિંતાજનક બાબત છે.
