મેલબોર્ન : મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં જીત મેળવીને ભારતે વનડે શ્રેણી જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. વનડે શ્રેણી પહેલા વર્તમાન પ્રવાસમાં ભારતે ટેસ્ટ શ્રેણી પણ જીતીને છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલા ઇંતઝારનો અંત આણ્યો હતો. આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ભારત તરફથી જીતમાં ભૂતપૂર્વ કેપ્ટન મેહેન્દ્રસિંહ ધોની અને યુજવેન્દ્ર ચહલે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. યુજવેન્દ્રએ છ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરતા ૪૮.૪ ઓવરમાં ૨૩૦ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી જેના જવાબમાં ભારતીય ટીમે ૪૯.૨ ઓવરમાં ૨૩૧ રન બનાવીને મેચ જીતી લીધી હતી. સાથે સાથે શ્રેણી પણ પોતાના નામ ઉપર કરી હતી.
મેલબોર્ન વનડેમાં સાત વિકેટે જીત મેળવીને ભારતે ત્રણ મેચોની શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. ભારતે ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી છે. ભારતે ટોસ જીતીને આ નિર્ણાયક વનડે મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઓસ્ટ્રેલિયાને આમંત્રણ આપ્યું હતું પરંતુ ભારતીય ટીમના બોલરો અપેક્ષા મુજબના સફળ રહ્યા ન હતા. ભારતીય ટીમે જીતવા માટેના જરૂરી રન સરળરીતે બનાવ્યા હતા. પૂર્વ કેપ્ટન ધોનીએ ૮૭ રન અણનમ બનાવ્યા હતા જેમાં છ ચોગ્ગાનો સમાવેશ થાય છે. કેદાર જાધવે અણનમ ૬૧ રન કર્યા હતા. ભારતે ત્રીજી વિકેટ ૧૧૩ રને ગુમાવી દીધા બાદ ધોની અને જાધવ ટીમને મેચ જીતાડી ગયા હતા. મેન ઇન બ્લુએ ઓસ્ટ્રેલિયાની જમીન ઉપર આ પહેલા ક્યારે પણ દ્વિપક્ષીય શ્રેણી જીતી ન હતી. આ ફોર્મેટમાં ભારતે માત્ર બે શ્રેણી જીતી હતી જેમાં ૧૯૮૫માં બેન્સન એન્ડ હેજિસ વર્લ્ડ ચેÂમ્પયનશીપ અને ૨૦૦૮માં કોમનવેલ્થ બેંક સિરિઝનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતે કેટલીક વનડે શ્રેણીઓ રમી છે. ૨૦૧૬માં ભારતે શ્રેણી ૧-૪થી ગુમાવી હતી પરંતુ આ વખતે ભારતીય ટીમે ધરખમ દેખાવ કર્યો છે અને શ્રેણી જીતી લીધી છે. વનડે શ્રેણી પહેલા ભારતે ટેસ્ટ શ્રેણી પણ ૨-૧થી જીતી લીધી હતી. સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચ વરસાદના કારણે ડ્રો ગઈ હતી છતાં ભારતે જીતી લીધી હતી જ્યારે વનડે શ્રેણીમાં પ્રથમ વનડે ઓસ્ટ્રેલિયાએ ૩૪ રને જીતી હતી જ્યારે બીજી વનડે મેચ એડિલેડમાં રમાઈ હતી જેમાં ભારતે જીત મેળવી હતી અને હવે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ત્રીજી વનડે મેચ પણ જીતી લીધી છે.
સ્પીનર યુજવેન્દ્ર ચહેલ તરખાટ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો મેદાનમાં ટકી શક્યા ન હતા. ભરચક મેદાન ઉપર ચહેલે ચાર બોલમાં ધબડકો બોલાવીને ઓસ્ટ્રેલિયન છાવણીમાં સોપો પાડી દીધો હતો જ્યારે ધોનીએ વર્તમાન શ્રેણીમાં સતત ત્રીજી અડધી સદી બનાવી હતી. ધોની અને જાધવે ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૨૧ રન ઉમેર્યા હતા જ્યારે ચહલે જારદાર દેખાવ કર્યો હતો. ચહલે ભારતના પૂર્વ બોલર અજીત અગરકરના રેકોર્ડની બરોબરી કરી હતી. ૨૦૦૪માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે અગરકરે છ વિકેટ ઝડપી હતી જ્યારે ઓસ્ટ્રેલિયા માટે આજની મેચમાં હેન્ડ્સકોંબે લડાયક ૫૮ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેનો આજે પણ ફ્લોપ રહ્યા હતા.