જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર હુમલો કરીને પાકિસ્તાની ત્રાસવાદીઓએ ભારે ઉશ્કેરણીજનક કૃત્ય કર્યુ હતુ. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ હવે વિસ્ફોટક સ્તરે પહોંચી ગયા છે. કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે જવાબી કાર્યવાહી રૂપે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદી અડ્ડાઓ પર ભીષણ હવાઇ હુમલા કર્યા હતા. જેમાં સેંકડો ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ભારતના હુમલા બાદ પણ પાકિસ્તાને ત્રાસવાદીઓ સામે કોઇ કાર્યવાહી કરવાના બદલે ભારતની સામે હુમલા કરવાના દુસાહસ કર્યા છે જે સાબિત કરે છે કે પાકિસ્તાનને ભારત સાથે સંબંધો સુધારી દેવામાં રસ નથી. તેના પર વિશ્વાસ રાખી શકાય નહી.
હાલની સ્થિતીમાં બન્ને દેશો વચ્ચે જયારે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર વિસ્ફોટક સ્થિતી છે ત્યારે માહોલ સુધરવાની તક તો નહીંવત દેખાઇ રહી છે. પાકિસ્તાને હમેંશા શાંતિ મંત્રણા આડે અડચણો ઉભી કરી છે. બંને દેશો વચ્ચે સંબંધ નહીં સુધરવા માટેના કેટલાક કારણો રહેલા છે. જે પૈકી એક કારણ તો એ છે કે પાકિસ્તાન ભારતની માંગ મુજબ ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવાના બદલે તે ત્રાસવાદીઓને પરોક્ષ રીતે ટેકો આપે છે. ત્રાસવાદીઓને આશ્રય આપે છે. પાકિસ્તાની જમીનનો ઉપયોગ કરીને ત્રાસવાદીઓ ભારતમાં હુમલા કરે છે. પાકિસ્તાની સેના પણ ત્રાસવાદીઓને ખુલ્લો ટેકો આપે છે. પાકિસ્તાનમાં ત્રાસવાદી કેમ્પો યથાવત રીતે ચાલી રહ્યા છે. ત્રાસવાદ અંગે ભારતે અનેક વખત પુરાવા આપ્યા હોવા છતાં કોઇ કાર્યવાહી તેના દ્વારા કરવામાં આવ્યા નથી. સવાલ એ થાય છે કે શુ પાકિસ્તાન અને ભારત કાશ્મીર અને ત્રાસવાદના મુદ્દા પર જે વ્યાપક મતભેદો રહેલા છે તે મતભેદોને દુર કરવામાં સફળ રહેશે કે કેમ.
વાસ્તવિકતા એ છે કે દુનિયાના કોઇ પણ દેશ પારસ્પરિક સંઘર્ષના મુદ્દા પર નરમ વલણ અપનાવવા માટે તૈયાર થતા નથી. સત્તામાં જે પણ હોય છે તે બીજા દેશ સાથે નરમ વલણ અપનાવતા નથી. આ બાબ એટલા માટે હોય છે કે તેમને દેશદ્રોહી હોવાની છાપ ઉભી થશે તેવી દહેશત હોય છે. સરહદ પર પાકિસ્તાને સતત ગોળીબાર જારી રાખ્યો છે. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ગોળીબારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. સરહદ ઉપર પાકિસ્તાને તેની હરકતો જારી રાખી છે અને બિનઉશ્કેરણીજનકરીતે ગોળીબાર જારી રાખ્યો છે. પાકિસ્તાન દુસાહસ કરીને ગોળીબારનો દોર જારી રાખે છે. આતંકવાદીઓને ભારતીય ક્ષેત્રમાં ઘુસાડવાના હેતુસર આ કાર્યવાહી જારી રાખવામાં આવે છે. આ વર્ષે સરહદપારથી ગોળીબારની ઘટનાઓ ૭૦૦થી પણ વધુ બની છે.
પુલવામા ખાતે સીઆરપીફના કાફલા પર આત્મઘાતી હુમલો કરીને પાકિસ્તાને સ્થિતી ખરાબ કરી છે. હુમલાખોરોના આકાઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાન પર વિશ્વાસની બાબત બિલકુલ યોગ્ય દેખાઈ રહી નથી. પાકિસ્તાને એકબાજુ તો સરહદ પર ગોળીબાર કરીને ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાના પ્રયાસો જારી રાખ્યા છે. સાથે સાથે તેને ત્યાં છુપાયેલા ત્રાસવાદીઓની સામે કોઇ નક્કર પગલા લઇ રહ્યુ નથી. મુંબઇ હુમલાના માસ્ટરમાઇડ ત્યાં છુપાયેલા છે. આ ત્રાસવાદીઓ જાહેરમાં ફરી રહ્યા છે. યુવાનોની ત્રાસવાદમાં ભરતી કરવામાં આવી રહી છે. આ તમામ ગતિવિધી વચ્ચે સાર્થક વાતચીત શક્ય દેખાતી નથી. દુનિયાના તમામ દેશોમાં કેટલાક ગુનાઓ માટે જવાબદાર રહેલા અપરાધી પાકિસ્તાનમાં છુપાયેલા છે. કુખ્યાત ત્રાસવાદી મસુદ અઝહર અને દાઉદ જેવા અપરાધી પાકિસ્તાનમાં વર્ષોથી છુપાયેલા છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં જ વિશ્વનો કુખ્યાત ત્રાસવાદી ઓસામા બિન લાદેન અમેરિકાને હાથ લાગ્યો હતો. જેથી અમેરિકાએ કમાન્ડો ઓપરેશન પાર પાડ્યુ હતુ. લાદેનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હજુ પણ ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર ત્રાસવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે. પાકિસ્તાની સરકારનો ખુલ્લો ટેકો પણ આ તમામ ત્રાસવાદીઓ ધરાવે છે. જેથી તેમના ઇરાદા સફળ સાબિત થાય છે.