ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ૨૩ ઓક્ટોબરના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ટી૨૦ વર્લ્ડ કપ મુકાબલા માટે અનારક્ષિત (સ્ટેન્ડિંગ) ટિકિટ જાહેર કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની સામાન્ય ટિકિટો ફેબ્રુઆરીમાં જ ગણતરીની મિનિટોમાં ચપોચપ વેચાઈ ગઈ હતી. હવે ભારત-પાક. મુકાબલાની ચાર હજારથી વધુ સ્ટેન્ડિંગ ટિકિટો ૩૦ ઓસ્ટ્રેલિયન ડોલરમાં પ્રાપ્ત થઈ શકેશે.
આઈસીસીના મતે આ ટિકિટો વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. આયોજક દ્વારા ૧૬ ઓક્ટોબર પૂર્વે ટિકિટનું પુનઃ વેચાણ પણ શરૂ કરાશે. સ્ટેન્ડિંગ ટિકિટોથી એ સુનિશ્ચિત થશે કે વધુમાં વધુ દર્શકો આ મેચને નિહાળી શકશે. આઈસીસી હોસ્પિટાલિટી અને આઈસીસી ટ્રાવેલ એન્ડ ટૂર્સ કાર્યક્રમ દ્વારા મર્યાદિત સંખ્યામાં પેકેજ પણ ઉપલબ્ધ છે. જે દર્શકો અગાઉ ટિકિટ બૂક કરવાનું ચૂકી ગયા છે તેઓ પણ હવે ટિકિટ ખરીદી શકશે. બાળકોની ટિકિટ પાંચ ડોલરથી જ્યારે વ્યસ્કની ટિકિટ ૨૦ ડોલરથી મળશે. એમસીજીમાં ૧૩ નવેમ્બરે રમાનાર ટી૨૦ વર્લ્ડ કપ ફાઈનલની ટિકિટો પણ હજુ ઉપલબ્ધ છે તેમ આઈસીસીએ જણાવ્યું હતું.