ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાક. મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વમાં કોઈપણ ખૂણે ક્રિકેટ મેચનું આયોજન હોય તો હાઉસફૂલના પાટિયા નક્કી હોય છે. ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેલબોર્નમાં ૨૩મી ઓક્ટોબરે રમાનાર મેચની તમામ ટિકિટોનું ચપોચપ વેચાણ થઈ ગયું હોવાનું આઈસીસીએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટ માટે પાંચ લાખ ટિકિટનું વેચાણ થયું છે જેમાં ભારત-પાક. મુકાબાલનો પણ સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન મેચનો ક્રેઝ એટલી હદે જોવા મળ્યો કે લોકોએ ઉભા ઉભા મેચ જોવા માટેની ટિકિટો પણ ખરીદી લીધી હતી.

આઈસીસીના મતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના રોમાંચને જોતા વધુમાં વધુ પ્રેક્ષકો હાજર રહી શકે તેવા ઉદ્દેશથી વધારાની સ્ટેન્ડિંગ રૂમ ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ કરાયું હતું અને ગણતરીની મિનિટોમાં તમામ ટિકિટો બૂક થઈ ગઈ હતી. હવે મેચના દિવસ અગાઉ રી-સેલ કાઉન્ટરનો પ્રારંભ કરાશે જેમાં પ્રેક્ષકો પોતાની ટિકિટનું મૂળ ભાવે વેચાણ કરી શકશે. વિશ્વના ૮૨ દેશોના દર્શકોએ ટૂર્નામેન્ટ માટે ટિકિટો ખરીદી હોવાનું આઈસીસીએ જણાવ્યું હતું. આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપમાં ૧૬ ટીમો ભાગ લઈ રહી છે.

Share This Article