નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ડેવિસ કપની મેચોને લઇને પહેલાથી જ રોમાંચક સ્થિતિ જોવા મળી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં યોજાનાર ડેવિસ કપ મુકાબલાથી પહેલા આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘ (આઈટીએફ)ના બે સભ્યોની ટીમ ગ્રુપ-૧ એશિયન ઓશિયાના ક્ષેત્રની મેચની તૈયારીના ભાગરુપે તથા સુરક્ષા પાસાઓની ચકાસણી કરવા માટે ઇસ્લામાબાદ પહોંચી ચુક્યા છે.
ભારતને ઇસ્લામાબાદમાં પાકિસ્તાનની સામે ડેવિસ કપ મેચ રમવાની છે. આઈટીએફ દ્વારા ૧૪-૧૫મી સપ્ટેમ્બર વચ્ચે યોજાનાર મુકાબલાની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી હતી. પાકિસ્તાન ટેનિસ મહાસંઘના એક અધિકારીએ કહ્યું છે કે, રિચર્ડ સિમોનના નેતૃત્વમાં આઈટીએફ પ્રતિનિધિમંડળે ટીટીએફના નેતૃત્વમાં વાતચીત કરી છે.
મેચ સ્થળ અને હોટલોની ચકાસણી પણ કરવામાં આવી છે જ્યાં ખેલાડીઓ અને સ્ટાફના સભ્યો રોકાનાર છે. અધિકારીઓએ કહ્યું છે કે, હોટલ અને મુકાબલા માટે પસંદ કરવામાં આવેલા સ્થળની તમામ સુવિધાઓની ચકાસણી કરવામાં આવી ચુકી છે. પીએસબીના મહાનિર્દેશક આરીફ ઇબ્રાહિમને મેચો માટે તૈયારી કરવાને લઇને માહિતી આપી દેવામાં આવી છે. આઈટીએફના અધિકારી મુકાબલા માટે તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઇને સંતુષ્ટ દેખાયા છે.
ભારત અને પાકિસ્તાનની ટીમ ૧૩ વર્ષના લાંબાગાળા બાદ ટેનિસમાં આમને સામને આવી રહ્યા છે. આ પહેલા બંને ટીમો એપ્રિલ ૨૦૦૬માં એકબીજાની સામે આવી હતી. એ વખતે મુંબઈમાં મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન છેલ્લા વર્ષો સુધી તટસ્થ સ્થળો પર ડેવિસ કપ મેચોનું આયોજન કરતું રહ્યું છે. કારણ કે, સુરક્ષા કારણોસર વિદેશી ટીમો પાકિસ્તાનમાં રમવા તૈયાર થઇ નથી.