અમદાવાદ : ગાંધીનગરમાં હાલ વાયબ્રન્ટ ગુજરાત સમીટના ઝાકમઝોળની સાથે સાથે ગીફ્ટ સીટી ખાતે પણ મહત્વના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક ઐતિહાસિક પહેલના ભાગરૂપે આજે ઇન્ડિયા આઇએનએક્સ ગ્લોબલ સીક્યોરિટીઝ માર્કેટ પર ૧.૨૫ અબજ ડોલરનાં બોન્ડ ઇશ્યૂ કર્યા હતા. જે બહુ મહત્વની અને નોંધનીય ઘટના રહી હતી. બીએસઈની ઇન્ડિયાનાં ઇન્ટરનેશનલ એક્સચેન્જ આઇએફએસસી (ઇન્ડિયા આઇએનએક્સ)એ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં સ્થિત કોઈપણ ચલણમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે ભારતનાં પ્રથમ અને મૂડી ઊભી કરવા માટેનાં અગ્રણી પ્લેટફોર્મ ગ્લોબલ સીક્યોરિટીઝ માર્કેટ (જીએસએમ) પર લિસ્ટિંગ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)નાં ૧.૨૫ ડોલર અબજનાં બોન્ડ ઇશ્યૂ કરવાનાં પગલાંને આવકાર્યું હતું.
ગિફ્ટ આઇએફએસસીમાં આજે ૧.૨૫ અબજ ડોલરનાં બોન્ડ ઇશ્યૂ માટે લિસ્ટિંગનો કાર્યક્રમ એસબીઆઈની ચેરમેન શ્રી રજનીશ કુમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ઇન્ડિયા આઇએનએક્સનાં ચેરમેન આશિષકુમાર ચૌહાણ અને ઇન્ડિયા આઇએનએક્સનાં એમડી અને સીઇઓ શ્રી વી.બાલાસુબ્રમનિયન ઉપસ્થિત રહ્યા હતાં. એસબીઆઈએ ઇન્ડિયા આઇએનએક્સ પર ૬૫૦ મિલિયન ડોલરનાં ગ્રીન બોન્ડનાં ઇશ્યૂનું પણ લિસ્ટિંગ કર્યું છે. ઇન્ડિયા આઇએનએક્સ એમડી અને સીઇઓ શ્રી વી.બાલાએ જણાવ્યું હતું કે, એસબીઆઈનાં ૧.૨૫ અબજ ડોલરનું ફંડ ઊભું કરવાનાં બોન્ડ ઇશ્યૂઅન્સને આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે એ જોઈને અમને આનંદ થાય છે.
આ આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં પાસેથી મૂડી ભંડોળ ઊભું કરવા માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય કાર્યક્ષેત્ર તરીકે ઇન્ડિયા આઇએનએક્સ અને ગિફ્ટ આઇએફએસસીને સ્થાપિત કરે છે. અમે અમારાં પ્લેટફોર્મ પર આ વિશ્વાસ મૂકવા બદલ એસબીઆઈની ટીમનો આભાર માનીએ છીએ અને તેમની સફળતા પર અભિનંદન આપીએ છીએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં ચેરમેન શ્રી રજનીશ કુમારે જણાવ્યું હતું કે, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વિદેશી બજારમાંથી બોન્ડ મારફતે ૧.૨૫ અબજ ડોલરનું ભંડોળ ઊભું કર્યું છે. આ ઇશ્યૂને સારો પ્રતિસાદ મળ્યો છે અને ૧૨૨થી વધારે ખાતાઓમાં ૩.૨ અબજ ડોલરમાં ફાઇનલ ઓર્ડર બુક સાથે દુનિયાનાં તમામ વિસ્તારોમાંથી રોકાણકારો પાસેથી સારો રસ મળ્યો છે એ જાહેરાત કરતાં આનંદ થાય છે. ઇશ્યૂ કરવાનું આ સફળ પ્રદર્શન રોકાણકારોની મોટી સંખ્યા દર્શાવે છે, જે એસબીઆઈએ અસરકારક રીતે મૂડી ભંડોળ ઊભું કરવા વિદેશી મૂડીબજારોમાં ઊભો કર્યો છે. એટલું જ નહીં એસબીઆઈને ચલણનાં મૂલ્યમાં વધારો અને એનાં દરમાં વધઘટનાં ગાળામાં પણ સફળતા મળી છે.