પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં “એન્ડ ટીબી” સંમેલનનાં ઉદઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે દિલ્હીમાં આયોજિત “એન્ડ ટીબી” સંમેલન ટીબીનાં સંપૂર્ણ નિવારણ તરફ એક સીમાચિહ્ન રૂપ ઘટના હશે. તેમણે જણાવ્યું કે આ રોગની નાબૂદી તરફ લેવાયેલું દરેક પગલું, ગરીબોનાં જીવનની સુધારણા સાથે જોડાયેલું છે.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ટીબી નાબૂદીનાં વૈશ્વિક લક્ષ્યાંક ૨૦૩૦ સામે ભારતે ૨૦૨૫ સુધીનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર આ લક્ષ્ય તરફ વ્યાપકપણે કાર્ય કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારો આ બાબતે મહત્વની ભૂમિકા અદા કરી રહી છે અને તેમણે આ અભિયાનમાં જોડાવા માટે અંગત રીતે દરેક મુખ્યમંત્રીઓને પત્રો પણ લખ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ટીબી ચિકિત્સકો અને કાર્યકરો ટીબી રોગને દૂર કરવાનાં અભિયાનનો મહત્વનો ભાગ છે અને જે દર્દીઓને આ રોગ નાબૂદ થાય છે તેઓ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બને છે.
પ્રધાનમંત્રીએ મિશન ઈન્દ્રધુષ અને સ્વચ્છ ભારતનાં ઉદાહરણો આપ્યા હતા કે કેવી રીતે કેન્દ્ર સરકાર ઈચ્છિત લક્ષ્યો તરફ પ્રગતિ કરી રહી છે.