રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જ્યાં એક તરફ વિશ્વભરના દેશો પોતાનો પક્ષ મૂકી રહ્યા હતા, ત્યાં બીજી તરફ ભારતે આ બાબતે નિષ્પક્ષ અભિગમ અપનાવ્યો હતો અને તટસ્થ રહેવાનું નક્કી કર્યું હતું. રશિયા ભારતનું સૌથી સારું મિત્ર રાષ્ટ્ર છે તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી અને ભારતને દરેક ખરાબ સમયમાં રશિયાએ સાથ આપ્યો છે. પરંતુ યુક્રેનને હવે ભારત અને રશિયાની આ દોસ્તી પસંદ નથી આવી રહી. હકીકતમાં ભારત રશિયા પાસેથી સસ્તું રશિયન ઓઇલ ઇમ્પોર્ટ કરી રહ્યું છે એ વાત યુક્રેનને બરાબરની ખટકી રહી છે. યુક્રેનના વિદેશ પ્રધાન ડીમિટ્રો કુલેબાએ સામાન્ય યુક્રેનિયન લોકોની પીડાના ભોગે રશિયન તેલ ખરીદવા માટે ભારતને દોષી ઠેરવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો.
શું કહ્યું યુક્રેનના વિદેશમંત્રીએ? તે જાણો… એક ન્યુઝ એજન્સી સાથેની એક્સક્લુઝિવ મુલાકાતમાં તેમણે દાવો કર્યો હતો કે, “ભારત માટે સસ્તી કિંમતે રશિયન તેલ ખરીદવાની તક એ હકીકતથી મળી છે કે યુક્રેનના લોકો રશિયન આક્રમણથી પીડાઈ રહ્યા છે અને દરરોજ મૃત્યુ પામે છે.” યુક્રેનના વિદેશ પ્રધાને ભારતને તેની વિદેશ નીતિમાં સુધારો કરવા અને રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા પણ જણાવ્યું હતું, કારણ કે આ નાણાંનો ઉપયોગ કથિત રીતે યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને નાણાં આપવા માટે કરવામાં આવી રહ્યો છે
. ભારતના વિદેશમંત્રીનો યુક્રેનને જડબાતોડ જવાબ તે જાણો… આ વર્ષે ૩૧ માર્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત-બ્રિટન સ્ટ્રેટેજિક ફ્યુચર્સ ફોરમમાં ચર્ચા દરમિયાન ધ્યાન દોર્યું હતું કે, “આ રસપ્રદ છે કારણ કે અમે થોડા સમયથી જોયું છે કે આ મુદ્દા પર લગભગ એક અભિયાન (અમારી વિરુદ્ધ) જેવું લાગે છે. જ્યારે તેલના ભાવો વધે છે, ત્યારે મને લાગે છે કે આ દેશો માટે બજારમાં જવું અને તેમના લોકો માટે ક્યાં સારી ડીલ્સ છે તે શોધવું સ્વાભાવિક છે.” તેમણે ધ્યાન દોર્યું હતું કે તેલની કુલ આયાતમાંથી આશરે ૮% યુનાઇટેડ સ્ટેટ્સથી થાય છે, જ્યારે ક્રૂડ ઓઇલની ૧% કરતા ઓછી ખરીદી રશિયાથી થાય છે. ૧૧ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ફરીથી એસ. જયશંકરે એક પત્રકારને ભારત-અમેરિકા ૨ ૨ સંવાદની ચોથી આવૃત્તિ દરમિયાન આ મુદ્દે જડબાતોડ જવાબ આપ્યો કે,”અમે કેટલીક એનર્જી ખરીદીએ છીએ, જે અમારી ઊર્જા સુરક્ષા માટે જરૂરી છે. પણ મહિના માટેની અમારી કુલ ખરીદી એક બપોરે યુરોપ જે કરે છે તેના કરતા ઓછી હશે. તેથી, તમે તેના વિશે વિચારી શકો છો.”
એપ્રિલમાં દિલ્હીમાં રાયસીના ડાયલોગ્સ કોન્ફરન્સમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેનમાં સંઘર્ષ અંગે ભારતની સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે અને યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની જરૂરિયાત જણાવી હતી. ચાલુ યુદ્ધમાં ભારતીય વલણ વિશે પૂછાતા ડો.જયશંકરે જણાવ્યું હતું કે યુરોપે એ વિચારમાંથી વિકસિત થવું જોઈએ કે તેના મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ છે, પરંતુ વિશ્વની સમસ્યાઓ યુરોપની ચિંતાઓ નથી. ભારતની રશિયામાંથી ઓઇલની ખરીદીના પૈસા યુદ્ધ માટે ફંડમાં વપરાય છે તે અંગે તેમણે કહ્યું કે, “શું રશિયન ગેસ ખરીદવો એ યુદ્ધને ભંડોળ પૂરું પાડતું નથી? તે ફક્ત ભારતીય નાણાં છે જે ભંડોળ આપે છે,? યુરોપમાં તે ગેસ નથી આવતો જે ભંડોળ આપે છે? અહીં થોડું સમજદારીથી કામ કરવું જોઇએ.” ભારતને પોલિસી બદલવાની સલાહ પર જવાબ પણ જાણો… તેમણે કહ્યું, “હા, ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ છે. હા, તેઓ સરકારના આદેશોનું પાલન કરે છે. હા, તેઓ બીજાની દલીલોનો સામનો કરે છે. પરંતુ તેને અહંકાર ન કહી શકાય. તેને કોન્ફિડન્સ કહે છે અને તેને ડિફેન્સિંગ નેશનલ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે.”