ભારત દુનિયામાં તક માટે ગેટવે બની ગયું છે : મોદી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઓસાકા : જી-૨૦ શિખર બેઠકમાં ભાગ લેવા માટે મોદી જાપાન પહોંચી ગયા છે. મોદીએ આજે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, આજે દુનિયા ભારતને શક્યતાઓના ગેટવે તરીકે જુએ છે. પોતાની સરકાર ફરી પ્રચંડ બહુમતિ સાથે આવ્યા બાદ આને વાસ્તવિકતાની જીત ગણાવીને કહ્યું હતું કે, ભારતના લોકોએ આ પ્રધાન સેવક ઉપર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ૧૯૭૧ બાદ દેશમાં પ્રથમ વખત એક સરકારને પ્રો-ઇન્કમબેંસી જનાદેશ આપ્યો છે. ૬૧ કરોડ લોકોએ ભીષણ ગરમીની વચ્ચે મતદાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચીનને છોડી દેવામાં આવે તો દુનિયાના કોઇપણ દેશની વસતી કરતા વધારે મતદારોની સંખ્યા નોંધાયેલી છે. મોદીએ આ સંબોધન બાદ જયશ્રી રામના નારા પણ લગાવ્યા હતા.

આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા. જાપાનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, જાપાનમાં બેસીને પણ ભારતીય લોકો અમારી કામગીરીનું મૂલ્યાંકન કરે છે. ઘણી વખત સ્ટેડિયમમાં બેસીને મેચ નિહાળવામાં આવે છે ત્યારે જાણી શકાય છે કે ભુલ ક્યાં થાય છે. ખેલાડી કઇ રીતે આઉટ થયા છે જેથી જ્યારે દૂર બેસીને મેચ નિહાળીએ છીએ ત્યારે તેમને વધારે માહિતી હોય છે. મોદીએ પોતાની જીતમાં પ્રવાસી ભારતીયોના યોગદાન માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોએ પોતાના ગામના લોકોને પત્રો મોકલ્યા હતા. ઇમેઇલ મોકલ્યા હતા. અહીં રહેતા લોકોએ પણ કોઇને કોઇ રીતે દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે કામ કર્યું છે.

૧૩૦ કરોડ ભારતીયોએ પહેલા કરતા પણ તેમને વધારે મજબૂત બનાવ્યા છે. મોદીએ દાવા સાથે કહ્યું હતું કે, માનવતાના ઇતિહાસમાં આનાથી મોટી લોકશાહી ચૂંટણી થઇ નથી. ભવિષ્યમાં પણ આ રેકોર્ડને કોઇ તોડશે તો ભારત જ હશે. ભારતીયો હોવા પર તમામ લોકોને ગર્વ થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વને પણ પ્રેરિત કરવા માટે અમે આગળ વધી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, જાપાનની સાથે અમારા સંબંધોની એક કડી મહાત્મા ગાંધી સાથે જાડાયેલી છે.

૧૫૦મી જન્મજ્યંતિ પણ આ વર્ષે આવી રહી છે. જાપાન અને ભારત બંને એક બીજા સાથે આગળ વધી રહ્યા છે. વિવેકાનંદ, સુભાષચંદ્ર અને મહાત્મા ગાંધી સહિત તમામ ભારતીયોએ બંને દેશોના સંબંધોને મજબૂત કરવામાં ભૂમિકા ભજવી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના દિવસે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જી-૨૦ની શિખર બેઠક જાપાનમાં ઓસાકા ખાતે યોજનાર છે ત્યારે આ બેઠકમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીતનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. જાપાન-અમેરિકા-ભારતની આ બીજી બેઠક યોજાઈ રહી છે. આ બેઠક પહેલા ઓસાકામાં વાતચીતને લઇને તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ લીડરો છેલ્લે જી-૨૦ શિખર બેઠકના ભાગરુપે બ્યુનોસએરમાં મળ્યા હતા. મોદી અને ટ્રમ્પની બેઠક પર હવે નજર રહેશે.

Share This Article