બર્મિગ્હામઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. ટેસ્ટ શ્રેણી શરૂ થઇ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે તે બંને ટીમોનો દેખાવ એકબીજા સાથે કેવો રહ્યો છે તેની ચર્ચા થાય તે સ્વાભાવિક છે. ઇંગ્લેન્ડની ટીમનો દેખાવ એંકદરે ટેસ્ટ ક્રિકેટમાં ભારત કરતા ખુબ જોરદાર રહ્યો છે.
ઇંગ્લેન્ડમાં પોતાના ઘરઆંગણે તો ભારતીય ટીમનો દેખાવ ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ખુબ કંગાળ રહ્યો છે. ઇંગ્લેન્ડમાં બન્ને ટીમો વચ્ચે કુલ ૫૭ ટેસ્ટ મેચો રમાઇ છે. જે પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચો જીતી છે. આવી જ રીતે ઇંગ્લેન્ડે ૩૦ ટેસ્ટ મેચો જીતી છે. જે સાબિત કરે છે કે આંકડાની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડની ટીમ કેટલી આગળ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડમાં રમાયેલી ૫૭ ટેસ્ટ મેચો પૈકી ૨૧ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે.
આવી જ રીતે ઓવર ઓલ દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૧૧૭ ટેસ્ટ મેચો રમાઇ છે. જે પૈકી ભારતે ૨૫ ટેસ્ટ મેચો જીતી છે. આવી જ રીતે ઇંગ્લેન્ડે ૪૩ ટેસ્ટ મેચો જીતી છે. બન્ને દેશો વચ્ચે કુલ ૪૯ ટેસ્ટ મેચો ડ્રો જાહેર કરવામાં આવી છે. કેટલીક એવી ટેસ્ટ શ્રેણી રહી છે ત્યારે ભારતીય ટીમનો દેખાવ જારદાર દેખાવ રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં એલિસ્ટર કુકના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની ટીમે પાંચ ટેસ્ટ મેચોની પટોડી ટ્રોફી ૩-૧થી જીતી લીધી હતી.
મોટા ભાગે ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ છેલ્લા કેટલાક પ્રસંગોએ ઇંગ્લેન્ડની ટીમનો સામનો કરી શકી નથી. વર્ષ ૨૦૦૭માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં શ્રેણી ૧-૦થી જીતી જવામાં સફળ થઇ ગઇ હતી. હવે નવેસરથી શ્રેણી શરૂ થઇ રહી છે ત્યારે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. હેડ ટુ હેડના મામલામાં ઇંગ્લેન્ડની ટીમ ભારતથી ખુબ આગળ રહી છે.
વિતેલા વર્ષોમાં ઇંગ્લેન્ડની ટીમનું પ્રભુત્વ રહ્યું હતું. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમનો દેખાવ સતત સુધરી રહ્યો છે. આ શ્રેણીમાં ભારતીય ટીમ જારદાર દેખાવ સાથે મેદાનમાં આવે તેવી શક્યતા છે. ભારતીય ટીમ નંબર વન રેંકિંગ તરીકે છવાઈ જવા માટે તૈયાર છે. વિરાટ કોહલી ઉપર તમામ ચાહકોની નજર કેન્દ્રિત રહેશે. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધુ રન કોણ બનાવે છે તેને લઇને સ્પર્ધા રહેશે જેમાં ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, એલિસ્ટર કૂક અને જોઇ રુટ વચ્ચે સ્પર્ધા જામશે.