બોન (જર્મની): ગ્લોબલ વોર્મિગ ઘટાડવા માટે એકબાજુ અમેરિકાએ જવાબદારી લેવામાંથી હાથ ઉંચા કરી દીધા છે ત્યારે હવે ભારત અને ચીન સાથે મળીને આ જવાબદારી અદા કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ભારત અને ચીનની પ્રભાવશાળી જળવાયુ નીતિઓના કારણે ગ્લોબલ વોર્મિગનો ખતરો એટલો ગંભીર નહી હોય કે જેટલું પહેલા અનુમાન લગાવવામાં આવતું હતું. એક અભ્યાસમાં કહેવાયું છે કે, અમેરિકાની નિષ્ક્રિયતાની ભરપાઇ આ બંને દેશો કરી દેશે. જો કે, તેનો મતલબ એ નથી કે, સ્થિતિ ઘણી સુધરી જશે. અભ્યાસ મુજબ, સરેરાશ વૈશ્વિક તાપમાન સતત વધી રહ્યું છે, જયારે ૨૦૧૫ પૈરિસ ડીલનો ઉદ્દેશ ગ્લોબલ વોર્મિગને બે ડિગ્રી સેલ્સિયસ નીચે લાવવાનો છે.
યુરોપીઅન રિસર્ચ ગ્રુપ્સ દ્વારા તૈયાર કાર્બન એકશન ટ્રેકર રિપોર્ટ(સીએટી)માં જણાવાયું છે કે, પ્રવર્તમાન નીતિઓના કારણે સમગ્ર દુનિયા વર્ષ ૨૧૦૦ સુધીમાં ૩.૪ ડિગ્રી સેલ્સિયસ(૬.૧ ફેરનહીટ) વધુ ગરમ થઇ જશે. જયારે એક વર્ષ પહેલાં ૩.૬ ડિગ્રી સેલ્સિયસ ગરમ થવાનું અનુમાન લગાવવામાં આવતું હતું. રિપોર્ટ મુજબ, સીએટીએ ૨૦૦૯થી નીરીક્ષણ શરૂ કર્યુ ત્યારથી આ પહેલીવાર છે કે, જયારે રાષ્ટ્રીય સ્તર પર નીતિઓના કારણે સદીના અંતમાં તાપમાનમાં વધારો થવાના અનુમાનમાં ઘટાડો નોંધાયો છે. પેરિસ સમજૂતી મુજબ, ચીન તેની પ્રતિબધ્ધતાઓને પૂર્ણ કરવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. તે અંતર્ગત ચીન ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘણું જ ઘટાડી દેશે. બીજીબાજુ, ભારત પણ કોલસાના વ્યાપક ઉપયોગને ઓછું કરવાના પ્રયાસ કરી રહ્યું છે કે જેથી કાર્બન ઉત્સર્જન ઘટી શકે. સંયુકત રાષ્ટ્રની એક સાયન્સ પેનલે જણાવ્યું કે, સરેરાશ વૈશ્વિક તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિથી ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેનાથી કોરલ રીફ્સ, અલ્પાઇન ગ્લેશિયર અને આર્કિટક સમર સી આઇસ અને ગ્રીનલેન્ડનો બરફ પણ પીગળી શકે છે. તેનાથી દુનિયાભરમાં સમુદ્રનું સ્તર ઘણુ વધી જશે.
એક રિસર્ચ ગ્રુપના જળવાયુ વિશ્લેષક બીલ હેએ જણાવ્યું કે, આ પરથી સ્પષ્ટ થાય છે કે, અહીં લીડર્સ કોણ છે. અમેરિકાના પાછળ હટયા પછી હવે ભારત અને ચીન આ દિશામાં કદમ આગળ વધારી રહ્યા છે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકાને પેરિસ ડીલથી અલગ કરી લીધુ હતું. તેમણે કહ્યું હતું કે, તે આમ કરવાને બદલે અમેરિકાના જીવાશ્મ ઇંધણ ઉદ્યોગમાં નોકરીઓની તકો વધારવાની કોશિશ કરશે. બીલ હેએ જણાવ્યું કે, અત્યારે એ કહેવું ઉતાવળ ગણાશે કે વૈશ્વિક ઉત્સર્જનમાં કમી આવી રહી છે.
ચીન અને ભારતની ઉત્સર્જનની ગતિ ઘટી છે પરંતુ હજુ પણ તે વધુ છે. ખાસ કરીને ભારતમાં. વૈશ્વિક ઉત્સર્જન પર અંકુશ લગાવવા સૌથી મોટી પહેલ એ હશે કે ઘણા દેશોમાં કોલ પ્લાન્ટ્સ સંપૂર્ણપણે બંધ કરી દેવાય છે.