ઇતિહાસનું પુનરાવર્તન કરતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનને ૭ વિકેટે હાર આપી છે. આ પહેલા પાકિસ્તાને બાંગ્લાદેશ અને નેપાલ સામે સતત વિજય મેળવ્યા હતા. ભારતે ટોસ જીતી પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ચુસ્ત ફિલ્ડિંગ અને ધારદાર બોલિંગ સાથે ભારતે પાકિસ્તાની ઇનીંગને ૪૦ ઓવરમાં ૮ વિકેટ ૨૮૨ રનના સ્કોર સુધી સિમીત કરી દીધી હતી.
પાકિસ્તાન તરફથી મો.જમિલ અને સુકાની નિશાર અલીએ ત્રીજી વિકેટ માટે ૧૩૭ રનની ભાગીદારી નોંધીવી હતી. પાકિસ્તાન તરફથી મો. જમિલે અણનમ ૯૪ રન બનાવ્યાં હતા. ભારત તરફથી અજય, બસપ્પા, સુનિલ, રંબીર અને દિપકે ૧-૧ વિકેટ ઝડપી હતી.
ભારતે વળતા પ્રહારમાં માત્ર ૩૪.૫ ઓવરમાં ૩ વિકેટના ભોગે ૨૮૫ના લક્ષ્યને હાંસલ કર્યું હતુ. જેમાં હરિયાણાના દિપક મલિકે ૮ ફોરની મદદથી અણનમ ૭૯ રન (૭૧ બોલ) બનાવ્યા હતી, જ્યારે વેંક્ટેશે ૫૫ બોલમાં ૬૪ રન બનાવ્યા હતા. સુકાની અજય અને દિપકે અણનમ રહી ચોથી વિકેટ માટે ૧૦૬ રનની ભાગીદારી નોંધાવી હતી.