ભારતે છેલ્લી ૧૯ ટેસ્ટ મેચ પૈકી માત્ર ૩ ટેસ્ટ મેચો જીતી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મેલબોર્ન :  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. બંને ટીમો વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં એક એક ટેસ્ટ જીતી ચુકી છે. આવી સ્થિતીમાં આ ટેસ્ટ મેચ નિર્ણાયક પણ બની શકે છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત કરતા ખુબ આગળ છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની જમીન પર ભારતીય ટીમનો કંગાળ દેખાવ રહ્યો છે. આ વખતે સંતોષજનક દેખાવ કરી શકશે કે કેમ તેને લઇને ભારે ચર્ચા છે. પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ભારતે સાબિતી આપી દીધી  હતી કે તે આ વખતે છેલ્લા ૭૦ વર્ષના ઇન્તજારના ગાળાને પૂર્ણ કરવા માટે તૈયાર છે.

જો કે પર્થ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતની હાર થઇ હતી. વર્ષ ૨૦૧૪-૧૫થી હજુ સુધી ભારતે ૪૮ પૈકી ૨૭ ટેસ્ટ મેચો જીતી છે. આ ગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમાં શાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જી દીધી છે. છેલ્લા ૧૭  ટેસ્ટ મેચો પૈકી ભારતે ૧૨ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ પાસેથી કરોડો ચાહક આ  અપેક્ષા રાખી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જમીન પર હરાવવા માટેની બાબત તો સારી સારી ટીમો પણ  સરળ રહી નથી. આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૦ બાદથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર ટીમોની હાલત કફોડી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતે વર્ષ ૨૦૦૦ બાદથી ૧૯ ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્ર ત્રણ ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની ૧૧ ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવાની બાબત ભારત માટે મોટી વાત તરીકે રહેશે. કારણ કે વિદેશી ટીમોને ઓસ્ટ્રેલિયામાં હમેંશા મુશ્કેલી નડે છે. ઇંગ્લેન્ડે વર્ષ ૧૯૯૦ બાદથી હજુ સુધી માત્ર એક વખત ૨૦૧૦-૧૧માં આ શ્રેણી જીતી હતી. ૭૦ અને ૮૦ના દશકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર રાજ કરનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમે ઓસ્ટ્રેલિયામાં ૧૫ પૈકી માત્ર ચાર ટેસ્ટ શ્રેણી જીતી છે. એક ડ્રો રમી છે.  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કર્યા બાદથી આફ્રિકાએ સાત ટેસ્ટ શ્રેણીમાં ત્રણ જીતી છે. એક ડ્રો રહી છે. ભારત અને પાકિસ્તાનની ટીમ તો છેલ્લા ૧૧ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવામાં સફળ સાબિત થઇ શકી નથી. એકબાજુ પાકિસ્તાને ત્રણ સિરિઝ ડ્રો કરાવી છે. ચાર ટેસ્ટ મેચો જીતી છે. ભારતે બે વખત શ્રેણી ડ્રો કરાવી છે.પર્થ ટેસ્ટમાં હાર ખાધા બાદ ભારતીય ટીમ હવે નવી વ્યુહરચના સાથે મેદાનમાં ઉતરી રહી છે.  ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જે જારદાર સંકેત છે.

Share This Article