આને કહેવાય જેવા સાથે તેવાનુ વર્તન. એટલે કે હુમલાનો જવાબ હુમલાથી. અમેરિકાએ સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટકા આયાત ડ્યુટી લાગુ કરી દીધી હતી. જેના જવાબમાં ભારતે જવાબી કાર્યવાહી કરીને અમેરિકાથી આયાત કરવામાં આવતી ૨૯ વસ્તીઓ પર ૯૦ ટકા સુધી ડ્યુટીને વધારી દેવા માટે કોઇ પણ વિલંબ કર્યો ન હતો. વાત સીધી અને સ્પષ્ટ છે. સંરક્ષણવાદની નીતિને પ્રોત્સાહન આપી રહેલ અમેરિકાને જો પોતાના હિતોની ચિંતા છે તો ભારતને તેના હિતોની ચિંતા ઓછી નથી. હથિયારો સાથે સંબંધિત હિતો હોય કે પછી આર્થિક હિતો હોય ભારતને પણ પોતાના હિતોની સુરક્ષા તો કરવી પડશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક કારોબારી છે. તેઓ શાસન કરતી વેળા પણ લાભ નુકસાન અને ગુણ્યા અને ભાગની ગણતરીથી ઉપર ઉઠી રહ્યા નથી.
ભારત જ નહી બલ્કે અમેરિકા, ચીન, કેનેડા તેમજ યુરોપિયન દેશોની સાથે પણ આવી જ નીતિ પર આગળ વધી રહ્યુ છે. ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના અમેરિકાની સાથે સંબંધ સારા થયા છે. જેના કારણે વેપાર સંબંધ મામલે ભારત ૧૩મા સ્થાનથી જમ્પ કરીને નવમાં સ્થાને પહોંચી ગયુ છે. ભારત હાલના સમયમાં અમેરિકાની સાથે ૧.૩ લાખ કરોડ રૂપિયાના ટ્રેડ સરપ્લસમાં છે. એટલે કે ભારત અમેરિકાથી ૧.૭૧ લાખ કરોડ રૂપિયાની ચીજો મંગાવે છે અને સાથે સાથે ૩.૦૮ લાખ કરોડ રૂપિયાની ચીજા નિકાસ કરે છે. અમેરિકાની મોટી ચિંતા આ જ રહેલી છે. તે ઇચ્છે છે કે ભારત નિકાસના બદલે અમેરિકામાંથી આયાત વધારે કરે. આ મહિનાની શરૂઆતમાં કેનેડામાં આયોજિત જી-સાત શિખર બેઠકમાં ટ્રમ્પે ભારત પર તેની કેટલીક પેદાશો પર ૧૦૦ ટકા ચાર્જ લાગુ કરવાનો આરોપ મુક્યો હતો. ત્યારબાદ ભારત અને અમેરિકાના વાણિજ્ય પ્રધાનો એકબીજાના વિવાદને ઉકેલી લેવા માટે સહમત થયા હતા.
જો કે સુરેશ પ્રભુ અને વિલ્બર રોસ વચ્ચે થયેલી વાતચીત સફળ સાબિત થઇ ન હતી. ટ્રેડ વોરમાં ભારત દ્વારા અમેરિકાને કઠોર જવાબ આપ્યા બાદ દેશમાં બનેલી ચીજોની કિંમત ઘટવા લાગી ગઇ છે. આયાત કરવામાં આવતી ચીજોની તુલનામાં દેશમાં બનેલી ચીજાનુ વેચાણ વધારે થશે. હવે કરવાની આ જરૂર છે કે ભારતને અતિઆધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળી ચીજા તૈયાર કરવી પડશે. જેથી આયાતી ચીજોને વધારે સારી ગણનાર લોકોને પણ વિચારવાની જરૂર ન પડે. આ પ્રશ્ન માત્ર અમેરિકાનો નથી. ભારતને વૈશ્વિક મંચ પર પોતાના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આગળ વધવાનો સમય આવી ગયો છે.
ચીન હોય કે અન્ય કોઇ યુરોપિયન દેશ હોય જેવા સાથે તેવાના વર્તન સાથે આગળ વધવાની જરૂર છે. હવે એ સમય રહ્યો નથી જ્યારે ભારતને કોઇ ચીજ માટે કોઇ દેશ પર આધારિત રહેવાની ફરજ પડે છે. એકબે ચીજોને છોડી દેવામાં આવે તો ભારત આજે તમામ ચીજોના મામલે આત્મનિર્ભર બની ચુક્યુ છે. અમેરિકા અને બીજા દેશો પણ આ વાતને સારી રીતે અને વહેલી તકે સમજી લે તે જરૂરી છે. જેવા સાથે તેવાના વર્તનને કોઇ રીતે અયોગ્ય ગણી શકાય નહી.