નવીદિલ્હી : મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ કુખ્યાત હાફીઝ સઇદ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ભારતે દેખાવવા પુરતી ગણાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું છે કે, અમે પાકિસ્તાનના અધુરા એક્શનથી હવે કોઇપણ પ્રકારે ગેરમાર્ગે દોરાઈશું નહીં. પાકિસ્તાન ત્રાસવાદી સંગઠનો અને આતંકવાદીઓ ઉપર કાર્યવાહીને લઇને ગંભીર છે તે અંગે નિર્ણય વિશ્વસનીય અને સતત કાર્યવાહીને જોઇને નક્કી કરવામાં આવશે. પાકિસ્તાનને ત્રાસવાદી સંગઠનો ઉપર એવી કાર્યવાહી કરવી પડશે જેને વારંવાર બદલી શકાય નહીં.
અધુરા પગલા લઇને પાકિસ્તાન માત્ર આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરી શકે છે. ભારત હવે ગેરમાર્ગે દોરાશે નહીં. અમે પાકિસ્તાન સાથે આતંકવાદ મુક્ત કાર્યવાહી બાદ સંબંધો ઇચ્છીએ છીએ. ભારતે એફએટીએફની સાથે દાઉદને લઇને કોઇ માહિતી આપી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રવિશકુમારે કહ્યું હતું કે, દાઉદ ઇબ્રાહીમના લોકેશનને લઇને હવે કોઇપણ રહસ્ય નથી. અમે અનેક વખત એવા લોકોની યાદી સોંપી ચુક્યા છે જે પાકિસ્તાનમાં રહે છે.
ભારતને સોંપવાની માંગ પણ વિતેલા વર્ષોમાં કરવામાં આવી ચુકી છે. પાકિસ્તાન આતંકવાદની સામે કાર્યવાહીનો દાવો કરે છે પરંતુ એવા લોકો ઉપર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવે છે ત્યારે કોઇ પગલા લેવામાં આવતા નથી. આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે દેખાવો કરવાના પ્રયાસ કરવામાં આવે છે. પાકિસ્તાને ત્રાસવાદ સામે બેવડા માપદંડ અપનાવ્યા છે. કરતારપુર કોરિડોર ઉપર વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે વાતચીતને લઇને તારીખોનો પ્રસ્તાવ મુક્યો હતો જેના પર સહમતિ થઇ ગઇ છે. પાકિસ્તાનનું પ્રતિનિધિ ૧૪મી જુલાઈએ ભારત આવશે. મામલાઓ સાથે જોડાયેલો આ મામલો છે. હાફીઝ સામે ત્રાસવાદ ફંડિંગનો કેસ દાખલ કરાયો છે.