ઇંગ્લેન્ડમાં પંતનો પાવર, એક ટેસ્ટમાં બે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, આવું પરાક્રમ કરનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો

Rudra
By Rudra 2 Min Read

Rishabh Pant World Record: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાય રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત માટે ઐતિહાસિક સાબિત થઈ છે. પંતે પ્રથમ ઇનિંગમાં શાનદાર 134 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં પણ પોતાના સદીથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. પંતે બીજી ઇનિંગમાં માત્ર 130 બોલમાં સદી ફટકારી હતી, જેમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે.

ઘરથી બહાર બંને ઇનિંગમાં સદી ઠોકનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર

ઋષભ પંત હવે દુનિયાનો એવો પહેલાં વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે જેમણે ઘરથી બહાર રમાતી એક જ ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારી છે. આજે સુધી ક્રિકેટના ઇતિહાસમાં આવું કોઈ પણ વિકેટકીપર કરી શક્યો નહોતો. ઘરઆંગણે પણ આવા કિસ્સા ઘણા દુર્લભ છે — 2001માં જિમ્બાબ્વેના એન્ડી ફ્લાવરે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બંને ઇનિંગમાં સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયાની મજબૂત સ્થિતિ

આ મેચમાં કેએલ રાહુલે પણ બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી, જેના કારણે ભારતે મેચમાં પકડ મજબૂત બનાવી છે. લીડ્સ ટેસ્ટ હવે ચોથા દિવસે પહોંચી ગઈ છે અને હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે ભારત માટે આ મેચ જીતવાની તક વધારે છે, જ્યારે ઇંગ્લેન્ડ માટે મેચ બચાવવી મુશ્કેલ બની છે.

2022માં પણ પંતે બ્રિટનમાં કર્યું હતું શાનદાર પ્રદર્શન

2022માં પણ પંતે બર્મિંગહામ ટેસ્ટમાં સદી અને અર્ધશતક ફટકારીને એશિયન વિકેટકીપર તરીકે સેના દેશોમાં (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ) રેકોર્ડ બનાવ્યો હતો અને હવે, ત્રણ વર્ષ બાદ ફરીથી પંતે તેનાથી પણ મોટો વિશ્વરેકોર્ડ નોંધાવ્યો છે.

Share This Article