મુંબઈ : બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં વિજય સાથે કોચ ગૌતમ ગંભીર અને તેનો કોચિંગ સ્ટાફ ટી20 સિરીઝ પણ કબજે કરવા માટે બમણા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પ્રવેશ કરશે. જોકે, સૌની નજર પ્લેઈંગ ઈલેવન પર છે. કયા ખેલાડીઓને તક મળશે તે મોટો સવાલ છે? સરળ શબ્દોમાં કહીએ તો દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે ફાસ્ટ બોલર મયંક યાદવ ડેબ્યૂ કરશે કે નહીં? સૌથી પહેલા ઓપનિંગની વાત કરીએ, કારણ કે તાજેતરના સમયમાં પહેલીવાર એવું લાગી રહ્યું છે કે ઓપનિંગના મુદ્દે સ્થિતિ સ્પષ્ટ છે. શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ આ શ્રેણીનો ભાગ નથી. આવી સ્થિતિમાં વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા જ ઓપનિંગ કરશે. ઉત્સુકતા એ છે કે તેનો પાર્ટનર કોણ હશે? જવાબ છે- સંજુ સેમસન. ટી20 સિરીઝ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટી20 ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઘોષણા કરી છે કે, સંજુ સેમસન અભિષેક શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરશે.
ઓપનિંગ પછી બાકીના બેટ્સમેનોની વાત કરીએ તો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબરે હશે જ્યારે રિંકુ સિંહ અને હાર્દિક પંડ્યા પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. બેમાંથી કોને બેટિંગમાં કઈ પોઝિશન પર મોકલવામાં આવશે તે અનુમાન લગાવવું અત્યારે મુશ્કેલ છે. બીજી બાજુ શિવમ દુબે ઇજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ તિલક વર્માને તક આપવામાં આવી છે. ગ્વાલિયરની પિચ ધીમી હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્પિન ઓલરાઉન્ડર પરાગને તક મળી શકે છે અને તે ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. વોશિંગ્ટન સુંદરનું સ્પિન વિભાગમાં રમવાનું નિશ્ચિત છે, જે બોલિંગની સાથે બેટિંગનો વિકલ્પ આપે છે. રવિ બિશ્નોઈએ પણ પોતાનું સ્થાન લગભગ કન્ફર્મ કરી દીધું છે. ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર વરુણ ચક્રવર્તીને તક મળશે કે નહીં તે તેના પર ર્નિભર રહેશે કે ફાસ્ટ બોલર મયંક યાદવ જગ્યા બનાવવામાં સક્ષમ છે કે કેમ? મયંક યાદવની ફિટનેસને લઈને હજુ પણ શંકા છે. જો તે ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ જશે તો ગ્વાલિયરના ચાહકોને તેની અદભૂત પેસ બોલિંગ જોવાની તક મળશે. પેસ વિભાગમાં અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનું રમવાનું નિશ્ચિત છે.