હેમિલ્ટન : હેમિલ્ટન ખાતે આજે રમાયેલી ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી મેચમાં અતિ રોમાંચક સ્થિતિમાં મેચ પહોંચ્યા બાદ યજમાન ન્યુઝીલેન્ડે ભારત પર ચાર રને જીત મેળવી હતી. આની સાથે જ ન્યુઝીલેન્ડે ટ્વેન્ટી શ્રેણી પણ જીતી લીધી હતી. પ્રથમ બેટીંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધારીત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૧૨ રનનો જંગી જુમલો ખડક્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૦૮ રન કરી શકી હતી. માત્ર ચાર રનના સાંકડા અંતરથી ભારતની આ મેચમાં હાર થઈ હતી. આની સાથે જ ન્યુઝીલેન્ડે ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી.
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટ્વેન્ટી શ્રેણી જીતવાનું લક્ષ્ય આજે ચુકી ગઈ હતી. વિદેશમાં ભારતીય ટીમનો દેખાવ હાલમાં જારદાર રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં હાલમાં ભારતીય ટીમે ટેસ્ટ અને દ્વિપક્ષીય વન ડે શ્રેણી જીતી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડમાં પણ વન ડે શ્રેણી જીતી લીધી હતી. ટ્વેન્ટી ક્રિકેટમાં પણ સારી શરૂઆત બાદ ભારતીય ટીમે જારદાર વાપસી કરી હતી પરંતુ આજે છેલ્લી મેચમાં ભારતીય ટીમની નજીવા અંતર સાથે હાર થઈ હતી. આજ રમતની મુખ્ય વિશેષતા ન્યુઝીલેન્ડના બેટ્સમેનોની આક્રમક બેટીંગ રહી હતી. ભારતીય ટીમના બેટ્સમેનોએ કેટલીક નજીવી ભુલો કરી હતી. જેના લીધે આ મેચ ગુમાવી દેવાની ફરજ પડી હતી. ટોસ જીતીને ભારતીય ટીમે ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા બાદ ન્યુઝીલેન્ડે ચાર વિકેટે ૨૧૨ રન બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડ તરફથી મુનરોએ ૪૦ બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ઝંઝાવતી ૭૨ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ગ્રાન્ડહોમે ૧૬ બોલમાં ૩૦ રન અને સેફર્ડે ૨૫ બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૪૩ રન બનાવ્યા હતા. જંગી જુમલા સામે ભારતીય ટીમ છ વિકેટે ૨૦૮ રન બનાવી શકી હતી. રોહિત શર્મા, વી.શંકર, દિનેશ કાર્તિક અને કૃણાલ પંડ્યો આશા જગાવી હતી પરંતુ સહેજમાં ભારતીય ટીમ આ મેચ ચુકી ગઈ હતી. દિનેશે ૧૬ બોલમાં ચાર છગ્ગા સાથે ૩૩ રન કર્યા હતા. કૃણાલે ૧૩ બોલમાં અણનમ ૨૬ રન કર્યા હતા પરંતુ ટીમની હાર થઈ હતી. અગાઉ ઓકલેન્ડ ખાતે રમાયેલી બીજી ટ્વેન્ટી મેચમાં ભારતીય ટીમે જારદાર દેખાવ કરીને ન્યુઝીલેન્ડ ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ ટ્વેન્ટી શ્રેણીને જીવંત રાખવામાં સફળતા મેળવી હતી.તે પહેલા વેલિંગ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટ્વેન્ટી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ભારતને ૮૦ રને કારમી હાર આપીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ન્યુઝીલેન્ડે ટ્વેન્ટી ક્રિકેટમાં જારદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જંગી જુમલો ખડક્યો હતો. તે પહેલા પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ઉપર સરળ જીત મેળવી હતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન કર્યા હતા જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૪૪.૧ ઓવરમાં ૨૧૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી આ મેચની સાથે જ ભારતે પાંચ મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે રાયડુની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ દ સિરિઝ તરીકે સામીની પસંદગી કરાઈ હતી. અગાઉ હેમિલ્ટન ખાતે રમાયેલી ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જારદાર દેખાવ કર્યો હતો. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી.૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી.