નવી દિલ્હી : મોદી સરકારે આજે લોકસભામાં માહિતી આપતા કહ્યું હતું કે, સરકારી નોકરીમાં એસસી એસટીનું પ્રતિનિધિત્વ તેમના નિર્ધારિત અનામત કરતા પણ વધારે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની નોકરીમાં એસસી અને એસટી સમુદાયમાંથી આવતા લોકોની સંખ્યા તેમના નક્કી કરાયેલા ટકાવારી કરતા વધારે દેખાઈ રહી છે. બીજી બાજુ અન્ય પછાત વર્ગના પ્રતિનિધિત્વ તેમના માટે નક્કી ટકાવારીથી ઓછી છે. એક લેખિત પ્રશ્નના જવાબમાં આંકડાકીય મામલાઓના મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે, સપ્ટેમ્બર ૧૯૯૩માં ઓબીસી માટે અનામત લાગૂ કરવામાં આવ્યા બાદથી તેમનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે.
સિંહે કહ્યું હતું કે, ઉપલબ્ધ માહિતીઓના આધાર પર પહેલી જાન્યુઆરી ૨૦૧૨ના દિવસે ઓબીસીનું પ્રતિનિધિત્વ ૧૬.૫૫ ટકા હતી જે પહેલી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે વધીને ૨૧.૫૭ ટકા થયું હતું. જીતેન્દ્રસિંહે એમ પણ કહ્યું હતું કે, ૭૮ મંત્રાલયો અને વિભાગોએ માહિતી આપી છે કે, પહેલી જાન્યુઆરી ૨૦૧૬ સુધી કેન્દ્ર સરકારની નોકરીમાં એસસી અને એસટી તથા ઓબીસીનું પ્રતિનિધિત્વ ક્રમશઃ ૧૭.૪૯, ૮.૪૭ અને ૨૧.૫૭ ટકા રહ્યું હતું.
કેન્દ્રીયમંત્રીના કહેવા મુજબ એસસી, એસટીના પ્રતિનિધિત્વ તેમના માટે નક્કી અનામત ક્રમશઃ ૧૫ અને ૭.૫ ટકા કરતા વધારે છે. કેન્દ્ર સરકારની નોકરીમાં ઓબીસીનું પ્રતિનિધિત્વ ૨૧.૫૭ ટકા રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જુદા જુદા આંકડાઓ સરકાર પાસે આવી રહ્યા છે. અનામત વર્ગની કુલ ૯૨૫૮૯ ખાલી જગ્યાઓ બેકલોગમાં હતી. આમાથી એસસી માટે ૨૯૧૯૮, એસટી માટે ૨૨૮૨૯ અને ઓબીસી માટે ૪૦૫૬૨ જગ્યાઓ બેકલોગમાં હતી. પહેલી એપ્રિલ ૨૦૧૨થી લઇ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૬ વચ્ચેની અવધિમાં આમાથી ૬૩૮૭૬ જગ્યાઓ ભરી દેવામાં આવી છે.