દિનપ્રતિદિનના આર્થિક વ્યવહારમાં ચલણ તરીકે રૂપિયા ૧૦૦,૨૦૦ અને ૫૦૦નો વપરાશ વધુ સરળ રહે છે ત્યારે સરકારે વધારાની માંગ સંતોષવા રૂપિયા ૫૦૦ની નોટોનું છાપકામ ઝડપી કર્યું છે. આજે દરરોજ રૂપિયા ૩૦૦૦ કરોડની ૫૦૦ની નોટો છપાય છે તેમ આર્થિક સચિવ સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું હતું. દેશમાં ચલણી નોટોનો જથ્થો સાનુકૂળ છે અને વધારાની માગને પહોંચી વળાય છે તેમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.
સુભાષચંદ્ર ગર્ગે વધુ જણાવ્યું હતું કે હાલમાં આર્થિક મૂળભૂત સિદ્ધાંતો વ્યાજદર વધારવાની જરૃરિયાત દર્શાવતા નથી. ફુગાવામાં અનિશ્ચિત વધારો થયો નથી. આર્થિક સચિવે જણાવ્યું હતું કે તેમણે રોકડની સ્થિતિની સમીક્ષા કરી હતી. ગયા સપ્તાહે દેશના ૮૫ ટકા એટીએમ કાર્યરત હતા. રોકડનો જથ્થો પૂરતો મોકલવામાં આવે છે. ચલણમાં રોકડની સમસ્યા હોય તેમ જણાતું નથી.
બજારમાં રૂપિયા ૨૦૦૦ના ચલણની ૭ લાખ કરોડની નોટો છે તે જરૂર કરતાં વધુ છે અને નવી નોટો છપાઈ રહી છે. ૫૦૦ રૂપિયાની નોટ પૂરતા પ્રમાણમાં મોકલાય છે અને પ્રિન્ટિંગ ઝડપી બન્યું છે. રિઝર્વ બેંકે ડુપ્લીકેટ નોટો ન બને તેની કાળજી રાખી નવી નોટો તૈયાર કરી છે. છેલ્લા અઢી વર્ષમાં બનાવટી નોટોના કિસ્સા ઘટયા છે છતાંય રિઝર્વ બેંક નોટોને વધુ સલામત બનાવવા પ્રયત્ન કરે છે.