નવી દિલ્હી : ભારત સાથે જોરદાર તંગદીલી વચ્ચે પણ પાકિસ્તાને તેની નાપાક હરકતો હજુ બંધ કરી નથી જેના ભાગરૂપે ભારત દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં તેના દ્વારા અંકુશ રેખા પર અવિરત રીતે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. એટલામાં ઓછુ હોય તેમ હથિયારોનો ખડકલો પણ કરવામાં આવી રહ્યો છે. સરહદી વિસ્તારોમાં જવાનોની સંખ્યામાં પણ પાકિસ્તાને વધારો કર્યો છે. સૈન્ય સુત્રોના કહેવા મુજબ પાકિસ્તાને અફગાનિસ્તાનના મોરચા પર તૈનાત કરવામાં આવેલા જવાનોની સંખ્યામાં ઘટાડો કર્યો છે અને આ જવાનોને ત્યાંથી ખસેડી લઇને અંકુશ રેખા પર મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ સંવેદનશીલ ચોકી પર સેનાની જમાવટ કરી દીધી છે. પાકિસ્તાને હથિયારો પણ અંકુશ રેખા પર ખસેડી લીધા બાદ સ્થિતી વણસી જવાના સંકેત દેખાઇ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારો અને અગ્રીણ ચોકીઓ પર મોર્ટારનો મારો ચલાવ્યો છે. પાકિસ્તાને નૌશેરા સેક્ટરમાં ૧૫૫ એમએમ ઓર્ટિલરી ગન્સ મારફતે ભારે ગોળીબાર કર્યો છે. જવાબમાં ભારતીય સેના દ્વારા પણ ગોળીબાર કરવામાં આવ્યો છે. સુત્રોના કહેવા મુજબ ભારત-પાકિસ્તાનના જવાનોએ હોટલાઇન પર વાતચીત પણ કરી છે.
પાકિસ્તાને સતત ગોળીબાર જારી રાખ્યો છે. પાકિસ્તાન તરફથી છેલ્લા કેટલાક દિવસમાં જ ૬૨ વખત યુદ્ધ વિરામનો ભંગ કરાયો છે જેમાં એક પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર લોકોના મોત થયા છે અને ૬૦ લોકો ઘાયલ થયા છે.દરમિયાન ભારતે પાકિસ્તાનને કાર્યવાહી કરવાની ફરી એકવાર ચેતવણી આપી છે જેના લીધે સ્થિતિ વણસે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી આસપાસના વિસ્તારોમાં શિક્ષણ સંસ્થાઓ બંધ છે. સરહદ પર ગોળીબારમાં ઘટાડો થતા સરહદે રહેતા લોકોને રાહત થઇ છે. ખાસ કરીને પુંચ અને રાજારી જિલ્લામાં રહેતા લોકોને સૌથી મોટી રાહત થઇ છે. પાકિસ્તાને છેલ્લા એક સપ્તાહના ગાળામાં જ ૬૨ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે. જેમાં ચાર નાગરિકોના મોત થયા છે. જેમાં એક પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ તંગદીલી પ્રવર્તી રહી છે. આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા બાદ ભારત દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમા ત્રાસવાદી અડ્ડાઓને હવાઇ હુમલા કરીને ફુંકી મારવામા આવ્યા બાદ પાકિસ્તાનની નાપાક હરકત સરહદ પર જારી રહી છે. પાકિસ્તાને અંકુશ રેખા પર અવિરત ગોળીબાર કર્યો છ. જેના કારણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાયેલી છે. કેટલાક લોકો તો સુરક્ષિત સ્થળે પલાયન કરી ગયા છે. સાથે સાથે સ્કુલોને પણ બંધ રાખવામાં આવી રહી છે. અગાઉ પુચ સેક્ટરમાં પણ પાકિસ્તાની સેનાએ કોઇ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો.