વૈશ્વિક સ્તર પર ભારતની આજે પ્રતિષ્ઠા શુ છે તે બાબતની સાબિતી પણ ઇસ્લામિક રાષ્ટ્રોની બેઠકમાં ભારતની હાજરીથી સાબિત થઇ ગઇ છે. કોઇ સમય એવો હતો જ્યારે પાકિસ્તાનની બોલબાલા આમાં જોવા મળતી હતી. પાકિસ્તાને કોઇ સમય બેઠકમાં હાજરી ન આપવા માટેની માત્ર વાત કરીને ભારતની એન્ટ્રીને રોકાવી દીધી હતી. આજે સ્થિતી બદલાઇ ગઇ છે. આજે ઇસ્લામિક રાષ્ટ્રોમાં પણ પાકિસ્તાનનુ મહત્વ રહ્યુ નથી. જેની સાબિતી વર્તમાન બેઠકથી મળી ગઇ છે. ઇસ્લામિક રાષ્ટ્રોની બેઠકમાં ભારતને પ્રથમ વખત ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.
પાકિસ્તાનને આ અંગે જાણ થયા બાદ ભારતની એન્ટ્રી રોકવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. અંગત સંબંધોની વાત પણ કરવામા આવી હતી. જો કે પાકિસ્તાનની કોઇ વાત ઇસ્લામિક દેશોએ સાંભળી ન હતી. પાકિસ્તાને ભારતની એન્ટ્રીને રોકવા માટે બેઠકનો બહિષ્કાર કરવાની ધમકી પણ આપી હતી. જા કે તેની કોઇ નોંધ લેવાઇ ન હતી. એટલુ જ નહીં ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ બેઠકમાં હાજરી આપીને પાકિસ્તાન પર જ તેજાબી પ્રહારો કર્યા હતા. જે ભારતની શક્તિ દર્શાવે છે. ઇસ્લામિક દેશોમાં ભારતના વધતા વિૅશ્વાસની બાબતને પણ આ હાજરી સાબિત કરે છે.
પાકિસ્તાનના તમામ પ્રયાસો છતાં ઓઆઈસીની બેઠકમાં ભારતને આપવામાં આવેલું આમંત્રણ રદ કરવામાં આવ્યું ન હતું. પાકિસ્તાને ભારતને રોકવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. વિતેલા વર્ષોના પારિવારિક સંબંધોની યાદ પણ અપાવી હતી પરંતુ ઓઆઈસીની બેઠકમાં ભારતના આમંત્રણને રદ કરવામાં પાકિસ્તાનને સફળતા મળી ન હતી. ભારતને રાજદ્વારી જીત મળી હતી જ્યારે પાકિસ્તાનને મુÂસ્લમ દેશોના સંગઠન તરફથી પણ ફટકો પડ્યો હતો. ભારતના આમંત્રણ રદ કરવા ઓઆઈસી તરફથી રજૂઆત કરવામાં આવી હતી. પાકિસ્તાનની માંગ ફગાવી દેવામાં આવ્યા બાદ પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરીને ઓઆઈસીની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ભારતના આમંત્રણને રદ કરવામાં ન આવતા પાકિસ્તાનની હાલત કફોડી બની હતી.વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગઇકાલે શુક્રવારના દિવસે અબુધાબીમાં મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઈસીની બેઠકમાં આતંકવાદનો મુદ્દો જોરદારરીતે ઉઠાવ્યો હતો. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈ કોઇ ધર્મની સામે નથી પરંતુ આતંકવાદ સામે છે.
વિદેશમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, ભગવાન એક છે અને તમામ ધર્મનો મતલબ શાંતિ છે. ઓઆઈસીની બેઠકમાં ભાગ લેવા માટે ભારતને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓઆઈસીના મંચ પરથી તેમણે ભારપુર્વક કહ્યું હતું કે, આજે આતંકવાદની સમસ્યાથી સમગ્ર વિશ્વ પરેશાન છે. આતંકવાદી સંગઠનોને મળી રહેલા નાણાં ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે જરૂરી છે. કોઇના પણ નામનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ ખુબ જ ખતરનાક છે જેના કારણે ભારત ખુબ જ પરેશાન છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ભારતમાં અનેક આતંકવાદી હુમલા થઇ ચુક્યા છે. આતંકવાદીઓનું દૂષણ સતત વધી રહ્યું છે. વિદેશમંત્રીએ કહ્યું હતુ કે, આજે આતંકવાદ અને અતિવાદ એક સ્તર પર પહોંચી ચુક્યા છે જેને રોકવામાં આવે તે ખુબ જરૂરી છે. આતંકવાદને મદદ કરનાર તથા આશરો આપનારને પણ બોધપાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આતંકવાદી સંગઠનોને ફંડિંગ રોકવામાં આવે તે પણ ખુબ જરૂરી છે. સુષ્મા સ્વરાજે એમ પણ કહ્યું હતું કે, ધર્મ શાંતિ બંને એકબીજાના પર્યાય તરીકે છે. જે રીતે ઇસ્લામનો મતલબ શાંતિ છે. અલ્લાહના ૯૯ નામોમાંથી કોઇપણ નામનો મતલબ હિંસા નથી તેવી જ રીતે ધર્મ શાંતિ માટે છે. ભારતની ગૌરવશાળી સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા સુષ્માએ કહ્યું હતું કે, ભારત માટે તમામ ધર્મના લોકોને સ્વીકારવાની બાબત ખુબ સરળ રહી છે. કારણ કે, અહીંની સંસ્કૃતિ ખુબ સરળ અને વિસ્તૃત છે. આજે ત્રાસવાદના કારણે પાકિસ્તાનની હાલત કફોડી બની છે. તે વિશ્વના દેશો અને મુસ્લિમ સમુદાયના દેશોમાં પણ અપમાનિત થઇ રહ્યુ છે. પાકિસ્તાનની હાલત હજુ ખરાબ થવાના સંકેતો પણ છે.