અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો અને ઠંડીનો ચમકારો ફરી એકવાર અનુભવાયો ન હતો. લઘુત્તમ તાપમાનમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વધારો થયો હતો. આ સ્થિતિ હજુ અકબંધ રહે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છના જુદા જુદા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં હાલ કોઇ ફેરફાર નહીં થવાના સંકેત દેખાઈ રહ્યા છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. ઠંડીની શરૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે.
ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૮.૨ અને મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં વલસાડમાં લઘુત્તમ તાપમાન ૧૫.૬ ડિગ્રી થઇ ગયું હતું. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. દિવાળી પર્વ પર ટાઈમ ટેબલ ખોરવાઈ ગયા બાદ હવે ફરીવાર લોકો સાવધાન બન્યા છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. અલબત્ત લઘુત્તમ તાપમાનમાં કોઇ વધુ ઘટાડો થઇ રહ્યો નથી પરંતુ વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.