અમદાવાદ: અમદાવાદ શહેરના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં ઝુ સત્તાવાળાઓ દ્વારા વધુ ત્રણ નર દીપડા અને ત્રણ માદા દિપડી લાવવામાં આવ્યા છે, જેને લઇ કાંકરિયા ઝુના આકર્ષણમાં વધુ ઉમેરો થયો છે. એકસાથે છ દિપડાઓને નીરખવાનો અને જોવાનો લ્હાવો શહેરીજનો માણી શકશે. હાલ તો, આ છ દિપડાઓ કાંકરિયા ઝુમાં રાખવામાં આવ્યા છે પરંતુ ટૂંક સમયમાં તેઓને નોકટરનલ ઝુમાં ખસેડવામાં આવશે અને પછી ઝુ મુલાકાતીઓના આકર્ષણ માટે ત્યાં જ રાખવામાં આવશે એમ અત્રે કાંકરિયા ઝુ સુપ્રિટેન્ડન્ટ ડો.આર.કે.સાહુ અને રિક્રીએશન, કલ્ચરલ અને હેરીટેજ કમીટીના ચેરમેન જીગ્નેશ પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાંકરિયાના નોકટરનલ ઝુમાં દિપડાઓ રાખવા અંગે સેન્ટ્રલ ઝુ ઓથોરીટી,નવી દિલ્હીની મંજૂરી મળી જતાં કર્ણાટકના શીમોગા લાયન-ટાઇગર સફારી પાર્ક ખાતેથી ત્રણ માદા દિપડી અને ત્રણ નર દિપડા કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે લાવવામાં આવ્યા છે. માદા દિપડીના નામ બનસંકરી, તુંગા અને કલ્પના છે, જયારે નર દિપડાના નામ પ્રદીપા, પ્રવીના અને સંદીપ છે. આ તમામ દિપડાઓની ઉમંર ત્રણથી પાંચ વર્ષ સુધીની છે. કાંકરિયા ઝુ સુપ્રિટેન્ડન્ટ ડો.આર.કે.સાહુ અને રિક્રીએશન, કલ્ચરલ અને હેરીટેજ કમીટીના ચેરમેન જીગ્નેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલ કાંકરિયા નોકટરનલ ઝુમાં શનિ, જયા અને મીલી નામના જે દિપડા-દિપડી રાખવામાં આવ્યા છે, ત્યાં આ શીમોગા, કર્ણાટકથી લાવવામાં આવેલા કુલ છ દિપડાઓને પણ રાખવામાં આવશે.
આ નવા ત્રણ દિપડા અને ત્રણ દિપડીઓને નોકટરનલ ઝુના બે ડાર્કરૂમમાં અને ઓપન પાંજરામાં જરૂરિયાત મુજબ રાખવામાં આવશે. એકસાથે છ દિપડાઓને કાંકરિયા ઝુમાં લાવવામાં આવતાં ઝુના હાલના પ્રાણીઓની સંખ્યામાં ઉમેરો થતાં મુલાકાતી અને નગરજનોના આકર્ષણમાં પણ ઉમરો થયો છે. તેમણે ઉમેર્યું કે, હાલમાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે પ્રાણીઓમાં ત્રણ સિંહ-સિંહણ, ત્રણ વાઘ-વાઘણ, ૯ દિપડા-દિપડીઓ, બે હિમાલયન રીંછ, એક હાથી, બે હિપોપોટેમસ, એક ઝરખ અને વિવિધ પશુઓ મળીને કુલ ૧૮૬૯ પશુ-પ્રાણીઓ છે, જેને નિહાળવા રોજ હજારો મુલાકાતીઓ કાંકરિયા ઝુની મુલાકાત લઇ રહ્યા છે પરંતુ સૌથી વધુ આકર્ષણ નોકટરનલ ઝુએ જમાવ્યું છે કે જયાં દિવસે પણ રાત્રિ જેવો માહોલ ઉભો કરી મુલાકાતીઓ-નગરજનોને રાત્રિના નિશાચર પ્રાણીઓને જાવાની બહુ દુર્લભ તક પૂરી પાડે છે.
ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બર માસમાં કાંકરિયા ઝુમાં એક સફેદ વાઘણ અને સિંહણ લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે કર્ણાટકના શીમોગા લાયન-ટાઇગર સફારી પાર્કમાંથી કુલ છ દિપડા(ત્રણ દિપડા-ત્રણ દિપડી) લાવવામાં આવ્યા છે, જે ખૂબ નોંધનીય અને પ્રશંસનીય પગલું કહી શકાય.