- સ્થાનિક મૂલ્ય વર્ધન અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે આયાતી મોબાઇલ ફોન અને ટીવીનાં સ્પેરપાર્ટ પર આયાતી વેરામાં વધારો કરાયો
- આ પગલાંથી સ્થાનિક રોજગારીનાં સર્જનને વધુ વેગ મળશે
- કાચા કાજૂ પરનો આયાત વેરો ઘટાડીને અડધો કરાયો
વસ્તુ અને સેવા કર (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) (જીએસટી)ને લાગુ કરાયા બાદ રજૂ થયેલા પ્રથમ સામાન્ય અંદાજપત્ર ૨૦૧૮-૧૯માં કેન્દ્રિય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ છેલ્લા બે દસકાની પ્રમાણબદ્ધ નીતિઓથી જરા અલગ પ્રકારના પગલા ભર્યા છે. આ નીતિ મુજબ સામાન્ય રીતે એક્સાઇઝ ડ્યૂટી (સીમા શુલ્ક)માં ઘડાડો કરાતો હતો. ત્યારે આજે અહીં સંસદમાં રજૂ કરાયેલા સામાન્ય અંદાજપત્ર ૨૦૧૮-૧૯માં જેટલીએ સ્વીકાર્યું હતું કે કેટલાક વિશેષ ક્ષેત્ર જેવા કે ખાદ્ય સામગ્રી ઉત્પાદન, ઇલેક્ટ્રોનિક્સ, ઓટો પાર્ટ્સ, ફૂટવેર અને ફર્નિચરમાં સ્થાનિક મૂલ્ય વર્ધનની ઘણી તકો છે. આથી જ તેને ધ્યાનમાં રાખીને નાણા મંત્રીએ કાજૂ ઉત્પાદન ઉદ્યોગની મદદ કરવાના હેતૂથી કાચા કાજૂ પરની એક્સાઇઝ ડ્યૂટી પાંચ ટકામાંથી ઘટાડીને ૨.૫ ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
સ્થાનિક મૂલ્ય અને મેક ઇન ઇન્ડિયાને વધુ પ્રોત્સાહિત કરવા માટે નાણા મંત્રીએ મોબાઇલ ફોન પરની એક્સાઇઝ ડ્યૂટી ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરવા, તેના કેટલાક સ્પેર પાર્ટ અને સહાયક સાધનો પરની એક્સાઇઝ ડ્યૂટી વધારીને ૧૫ ટકા કરવા તથા ટીવીનાં કેટલાક ખાસ સાધનો પરની એક્સાઇઝ ડ્યૂટી વધારીને ૧૫ ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
જેટલીએ કહ્યું કે આ પગલાંથી દેશમાં રોજગારીનાં સર્જનમાં વધુ વેગ મળશે. હકીકતમાં આ પગલાંથી આયાતી ઉત્પાદનોની સરખામણીએ સ્થાનિક ઉત્પાદનો સસ્તા થઈ જશે અને તેને પરિણામે માગ વધી જશે અને તેનાથી સામાન્ય નાગરિક માટે વધુ રોજગારીની તકો પેદા થશે.