કેવલ કિરણ ક્લોથિંગ લિમિટેડ (કેકેસીએલ)એ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં આવકોમાં ૧૦ ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે બજારમાં બ્રાન્ડેડ કપડાની માંગ બાબતે એક સકારાત્મક સંકેત છે. કંપનીની પ્રમુખ બ્રાન્ડ કિલર જીન્સના વેચાણમાં વાર્ષિક ધોરણે ૨૪.૨ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે કે અન્ય બ્રાન્ડ ઇઝિઝ બાય કિલરનું વેચાણ ૧૧.૪ ટકા વધ્યું છે. બ્રાન્ડેડ એપરલ સેગમેન્ટની માંગમાં નબળાઇ હોવા છતાં પણ કિલર જીન્સ બ્રાન્ડની આગેવાન હેઠળ કેવલ કિરણ ક્લોથિંગ લિમિટેડ સારી વૃદ્ધિ હાંસલ કરવામાં સક્ષમ રહ્યું છે.
આ અંગે પ્રતિક્રિયાં આપતાં કંપનીના સીએમડી શ્રી કેવલચંદ પી. જૈને જણાવ્યું હતું કે, કિલર અને ઇઝિઝ બાય કિલર બ્રાન્ડના વોલ્યુમમાં અનુક્રમે ૨૧ ટકા અને ૧૦ ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાઇ છે, જેના કારણે કંપનીની કુલ આવકમાં ૧૦ ટકાની વૃદ્ધિ થઇ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ના બીજા ત્રિમાસિકગાળામાં આ બે બ્રાન્ડ્સે ભેગા મળીને લગભગ ૭૦ ટકાનું યોગદાન આપ્યું છે. બ્રાન્ડે ગોવા, હૈદરાબાદમાં વ્યાપક સ્તરે આયોજિત ઓટમ વિન્ટરની બુકિંગ અને કંપનીની અન્ય પ્રમોશનલ એક્ટિવિટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે હિસ્સેદારી જળવાઇ રહી છે.
આગામી ત્રિમાસિકગાળામાં કંપનીના મેનેજમેન્ટને સારી માંગ જોવા મળવાનો વિશ્વાસ છે કારણકે સમગ્ર આર્થિક પ્રવૃત્તિઓને કારણે સકારાત્મક સંકેત જોવા મળી શકે છે. એકંદર રિટેઇલ માંગમાં ઉછાળો આવવાની સંભાવના છે કારણકે તરલતાની પરિસ્થિતિમાં સુધારો થશે, જેના પરિણામે ગ્રાહક માંગ તેમજ કંપનીથી ટ્રેડ ચેનલ અને અન્ય રિટેઇલ પાર્ટનર્સ માટેના પ્રાથમિક વેચાણને વધારવામાં પણ મદદ મળશે. કંપનીને કિલર અને ઇઝિઝ બાય કિલર જેવી બ્રાન્ડ્સના વોલ્યુમમાં સારી વૃદ્ધિ જળવાઇ રહેવાની અપેક્ષા છે, જે આગામી સમયમાં આવકમાં વધારો કરવામાં ખૂબ ઉપયોગી રહેશે.