અમદાવાદ: છેલ્લા ૨૮ વર્ષથી ગુજરાતમાં સત્તા વિહોણી બનેલી કોંગ્રેસ ધીમે ધીમે નાણાં ભીડમાં સપડાઈ ગઈ છે અને હવે એવી સ્થિતિ આવીને ઉભી છે કે, ત્યારે ચૂંટણી લડવા માટેના પૂરતાં અને મોકળાશભર્યા નાણાં પણ પાર્ટી પાસે નથી, ત્યારે જબરદસ્ત નાણાં ભીડમાં સપડાયેલી ગુજરાત કોંગ્રેસે હવે મોંઘવારી વચ્ચે પીસાતી ગુજરાતની વચ્ચે જઇ આગામી લોકસભાની ચૂંટણી લડવા માટેના નાણાં એકત્ર કરવાનું નક્કી કર્યું છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસથી ગુજરાત કોંગ્રેસ જનસંપર્કની સાથે ધનસંગ્રહ અભિયાન શરૂ કરશે. જેમાં ૧૦૦ રૂપિયાથી ૧૦૦૦ સુધીની કૂપનો તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમ તા.૧૯ નવેમ્બર સુધી ચાલશે. જેમાં ૫૦ હજાર બૂથોમાં જઈને કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસની પત્રિકાની સાથે નાણાં ઉઘરાવવા માટેની કૂપનો પણ વેચશે. એકઠા કરવા કોંગ્રેસે મોંઘવારીથી પીડાતી પ્રજા પાસે હાથ ફેલાવવાનો નિર્ણય કર્યો હોઇ ગુજરાતના રાજકારણની આ સૌપ્રથમ ઘટના મનાઇ રહી છે.
ગુજરાત કોંગ્રેસને આર્થિક ભીડ માટે નાણાંકીય ભંડોળ રાજયની પ્રજા પાસેથી એકત્ર કરવાના ભાગરૂપે હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના નેતાઓને લોકસભા ચૂંટણી માટે ૨૫ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્યાંક અપાયું છે. તો, ગુજરાતની જેમ દેશભરમાંથી પણ કોંગ્રેસ આ પ્રકારે આર્થિક ભઁંડોળ ઉભુ કરવાની કવાયત હાથ ધરશે. દેશભરમાંથી કોંગ્રેસ દ્વારા પ્રજાજનો પાસે હાથ ફેલાવી રૂ.૫૦૦ કરોડ એકત્ર કરાવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. તા.૨જી ઓકટોબરથી શરૂ થઇ રહેલા ધનસંગ્રહ અભિયાનમાં ખાસ કરીને કોંગ્રેસના આગેવાનો પ્રજા પાસેથી ઉઘરાવેલું ફંડ ઘરભેગું ન કરે તે માટે ખાસ તકેદારી રાખવાની સૂચના હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી છે. એટલું જ નહી, આ સમગ્ર પ્રક્રિયાનું અસરકારક મોનીટરીંગ પણ થશે કે જેથી ગુજરાતની જનતાનો અને દેશની પ્રજાનો વિશ્વાસ જળવાઇ રહે અને ફરી એકવાર સત્તાસ્થાને બેસાડવાની તક પ્રજા દ્વારા તેમને અપાય.
ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં પક્ષમાં સદ્ધર હોય અને ઓછામાં ઓછા એક લાખ રૂપિયા આપી શકે એવા ૩૦૦ સભ્યો તૈયાર કરવા જઈ રહી છે. આ સભ્યો પક્ષના ફંડમાં દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા આપી શકવા માટે સક્ષમ હોવા જરૂરી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં પૈસેટકે બેહાલ બની ગયેલી કોંગ્રેસે ચૂંટણી લડવા માટે આખા દેશમાંથી રૂ.૫૦૦ કરોડ એક્ત્ર કરવાનું નક્કી કર્યું છે. તા.૨જી ઓક્ટોબરથી તા.૧૯મી નવેમ્બર સુધી ચાલનારી ફંડ એકત્રિકરણ ઝુંબેશમાં ગુજરાતમાંથી રૂ.૨૫ કરોડ,૨૧ લાખ,૨૦ હજારનું ફંડ એકઠું કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
સૌથી નોંધનીય અને મહત્વની વાત એ છે કે, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ હાલમાં આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે કારણ કે, ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં તે સત્તાસ્થાનેથી ઘણા વર્ષોથી વિમુખ થઇ ગઇ છે અને તેથી અત્યારસુધી પાર્ટીએ તેના આર્થિક ભંડોળમાંથી જ બધા ખર્ચાઓ અને ચૂંટણીલક્ષી પ્રચાર કાર્યો સહિતના કામો પાર પાડયા પરંતુ હવે પાર્ટીનું ભંડોળ એટલે કે, તિજારી પણ તળિયાઝાટક થઇ ગઇ હોઇ આજે કોંગ્રેસ પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે પુરતુ ફંડ નથી. કોંગ્રેસના ખજાનચી એહમદ પટેલે તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ સાથે મીટિંગ કરીને દરેક બૂથ દીઠ રૂ.૫,૦૦૦ ઉઘરાવવાનો આદેશ કર્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના ૫૦,૪૨૪ બૂથ આવેલા છે. તે ગણતરી મુજબ ગુજરાત કોંગ્રેસે ૨૫ કરોડ ૨૧ લાખ ૨૦ હજાર એકઠા કરવાના થશે. ગુજરાત કોંગ્રેસ દેવામાં ગળાડૂબ છે. ૨૦૧૭ની ચૂંટણીમાં રૂ.૭ કરોડનું દેવું થયું હોવાની ચર્ચા છે. આ દેવું હજુ સુધી ભરપાઈ થયું નથી. તેથી ચૂંટણીના બહાને ફંડ એકત્ર થશે તેમાંથી દેવું ઉતારી બાકીની રકમ લોકસભા ચૂંટણી ફંડમાં જમા કરાવાશે એમ પણ મનાઇ રહ્યું છે.