અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ( DPS) બોપલ ખાતે 31 ઓક્ટોબર, 2025 ના રોજ ઝોન 5 અને 6 ‘DPS બાસ્કેટબોલ ગર્લ્સ (ઓપન) ટુર્નામેન્ટ 2025′ નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. DPS સોસાયટીના નેજા હેઠળ યોજાઈ રહેલા આ ત્રણ દિવસીય વાઇબ્રન્ટ રમતગમત ઉત્સવનું ઉત્સાહભેર આયોજન DPS-બોપલ સમુદાય દ્વારા કરવામાં આવ્યું છે.
આ ઉદઘાટન સમારોહ રમતગમત, એકતા અને રમતવીરોની શ્રેષ્ઠતાની ભવ્ય ઉજવણી હતી. જેમાં ઝોન 5 અને 6 માંથી 7 ઉત્સાહી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે એકત્રિત થઈ હતી.
આ સમારોહમાં વિશિષ્ટ અતિથિ તરીકે આવકવેરા વિભાગના નિરીક્ષક અને ફિલિપાઇન્સ (2013) અને ચીન (2015) માં યોજાયેલી એશિયન બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રખ્યાત બાસ્કેટબોલ ખેલાડી શ્રી વિનય કૌશિક અને ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના સચિવ શફીક શેખ ઉપસ્થિત રહ્યા હતા.
DPS-બોપલના પ્રિન્સિપાલ શ્રીમતી સબીના સાહનીએ સભાને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે યુવા ખેલાડીઓને પ્રામાણિકતાથી રમવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જીત અને હાર બંને રમતના ભાગ છે. એક સાચા ખેલાડીએ સંગઠિત રહેવા સાથે પ્રામાણિકતા જાળવવી રાખવી જોઈએ અને હંમેશા નિષ્પક્ષ રમત રમવી જોઈએ. તેમના શબ્દોએ સહભાગીઓને રમતગમતના સર્વોચ્ચ આદર્શ અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા.
આ સમારોહમાં જોશથી ભરપૂર નૃત્ય, એક ભાવનાત્મક ગીત અને ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 7 ટીમો દ્વારા ઉત્સાહી માર્ચ-પાસ્ટ સહિત અનેક પ્રભાવશાળી પ્રદર્શન રજૂ કરવામાં આવ્યાં હતાં. દરેક ટીમે ગર્વ સાથે પરેડ કરી હતી, જે આ ટુર્નામેન્ટની ઓળખ બની મિત્રતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
સમારોહના વિશેષ મહેમાન વિનય કૌશિકે ટુર્નામેન્ટના શુભારંભની ઔપચારિક ઘોષણા કરી હતી. પોતાના સંબોધનમાં, તેમણે ખેલાડીઓને “દિલથી રમવા અને દરેક મેચને ટીમવર્કના પાઠ’ તરીકે જોવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આવી પ્રેરણાદાયક શરૂઆત સાથે, ‘DPS બાસ્કેટબોલ ગર્લ્સ (ઓપન) ટુર્નામેન્ટ – 2025’ ત્રણ દિવસની ઉત્સાહી સ્પર્ધા અને ખેલદિલીની ભાવનાથી ભરપૂર હોવાનું વચન આપે છે. અહીીં મ-જેમ કોર્ટ, રમતની લય સાથે ગુંજી ઉઠે છે, આ ટુર્નામેન્ટ રોમાંચક બને છે તેમજ શ્રેષ્ઠતા તરફ સહિયારા પ્રયાસ કરવાના આનંદનું ઝળહળતું ઉદાહરણ પ્રસ્તુત કરે છે.
