દુનિયામાં કોરોના વાયરસનું સંકત ફરી વધી રહ્યું છે. દેશમાં ફરી કોરોનાના નવા વેરિએન્ટ બીએફ.૭ ના કેસસામે આવ્યા બાદ ડરનો માહોલ બની ગયો છે. તેને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ છે. મહામારીના ખતરાને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક હાઈ લેવલ રિવ્યૂ બેઠક બોલાવી હતી. આ બેઠક એક કલાક ચાલી હતી. પ્રધાનમંત્રી મોદી સાથે બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, આઈસીએમઆરના અધિકારી, સિવિલ એવિએશન અધિકારી, નીતિ આયોગના ડોક્ટર વીકે પોલ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં વર્તમાન તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થઈ છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કોવિડને લઈને બેદરકારી ન રાખવાની સલાહ આપી છે. તેણે એમ પણ કહ્યું કે કોરાના હજી ખતમ થયો નથી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અન્ય સ્થળોએ તકેદારી વધારવી જોઈએ. પીએમ મોદીએ જીનોમ સિક્વન્સિંગ અને ટેસ્ટિંગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને મજબૂત દેખરેખની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેણે દરેકને માસ્ક પહેરવાનું પણ કહ્યું છે. કેન્દ્ર સરકારે કોરોનાના નવા વેરિએન્ટથી સંક્રમણ રોકવા માટે વિદેશથી આવતા યાત્રીકોને લઈને ખાસ દિશા-નિર્દેશ આપ્યા છે. દેશભરના એરપોર્ટ પર વિદેશથી આવતા યાત્રીકોનું રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે ઓમિક્રોનના નવા વેરિએન્ટથી સંક્રમણને લઈને લોકોને સલાહ આપતા કહ્યું કે, તેનાથી ડરવાની જરૂર નથી. લોકોને ભીડવાળી જગ્યામાં સોશિયલ ડિસ્ટેન્સિંગ બનાવી રાખવાની સાથે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
આ સાથે કોરોનાના પોઝિટિવ સેમ્પલ INSACOG જીનોમ સિક્વેન્સિંગ લેબમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે. ચીન સહિત ઘણા દેશમાં કોરોના સંક્રમણના ઝડપથી વધતા કેસને જોતા મોદી સરકાર એલર્ટ છે.
દેશમાં કોરોના વાયરસના નવો વેરિએન્ટ સામે આવ્યા બાદ તેના ખતરાને સમય રહેતા રોકવા માટે સરકાર કામમાં લાગી ગઈ છે. તો રાજ્ય સરકારો પણ એલર્ટ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને ઓડિશામાં ઓક્ટોબર-નવેમ્બરમાં ઓમિક્રોનના બીએફ. ૭ અને બીએફ. ૧૨ વેરિએન્ટથી સંક્રમિત ચાર દર્દી સામે આવ્યા હતા.