લખનૌ : ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં લઠ્ઠાકાંડના કારણે મોતનો આંકડો વધીને ૧૦૦થી પણ ઉપર પહોંચી ગયો છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ લઠ્ઠાકાંડના મામલામાં ઉંડી તપાસ અને દરોડાનો સીલસીલો જારી રહ્યો છે. જેના ભાગરૂપે ૧૭૫ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ૨૯૭ કેસ દાખલ કરવામાં આવ્યા છે. એક્સાઈઝ વિભાગના કહેવા મુજબ આ કેસના સંદર્ભમાં સહારનપુરમાં ૧૦ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમગ્ર મામલામાં કઠોર પગલાં લેવાનો આદેશ કર્યો છે.
સાથે સાથે મૃત્યુ પામેલાઓના પરિવારના સભ્યોને બે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સરકારે ઝેરી લઠ્ઠાકાંડના મામલામાં તથા શરાબ બનાવનાર લોકો તથા વેચનાર લોકો સામે તપાસ કરવા નેશનલ સિક્યુરિટી એક્ટની રચના કરવા તૈયારી કરી છે. યોગી સરકારે ગેરકાયદે શરાબ વેચનાર અને બનાવનાર સામે આક્રમક રીતે ૧૫ દિવસની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હજુ સુધી સહારનપુરમાં જ ૩૯ લોકોની ધરપકડ કરાઈ છે. ૩૫ કેસ આ વિસ્તારમાં દાખલ કરાયા છે.
૩૬ લોકો સારવાર હેઠળ છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં વ્યાપક દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ૨૫૦ લીટર દારૂ બનાવવાની ચીજવસ્તુઓ અને ૬૦ લીટર અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવી ચુક્યો છે. ઉત્તર પ્રદેશની સાથે ઉત્તરાખંડમાં પણ આક્રમક કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. શરાબનો જથ્થો બહારથી લાવવામાં આવ્યો હોવાના અહેવાલ પણ મળ્યા છે. યોગી સરકાર આક્રમક વલણ અપનાવીને બુટલેગરો સામે કાર્યવાહી કરવા તૈયારી થઈ ચુકી છે. મોતનો આંકડો ૧૦૦થી ઉપર પહોંચતા તંત્ર ભારે ચિંતાતૂર છે. અસરગ્રસ્તોને પુરતી સારવાર આપવામાં આવી રહી છે.