ભારતમાં આ સમયે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની ચર્ચા જોર-શોરથી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી પણ ચાલી રહી છે. નોંધનીય છે કે ભારત પહેલાં ૩૪ એવા દેશ છે, જ્યાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી ચુકી છે. પાછલા વર્ષે ત્રણ દેશોએ સમલૈંગિક લગ્નને કાયદેસર કરી દીધા હતા. આમ કરનારો છેલ્લો દેશ એન્ડોરા બન્યો હતો. ક્યૂબાએ વર્ષ ૨૦૨૨માં એક રાષ્ટ્રીય જનમત સંગ્રહ બાદ પોતાના દેશમાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપી હતી. ૨૩ દેશોએ કાયદો બનાવી સેમ સેક્સ મેરેજને રાષ્ટ્રીય સ્તર પર કાયદાકીય માન્યતા આપી છે. તેમાં ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ અને સ્વિત્ઝર્લેન્ડ પણ સામેલ છે.
૧૦ દેશોએ કોર્ટના ચુકાદા બાદ સમલૈંગિક લગ્નને કાયદેસર કરી દીધા છે. ઓસ્ટ્રેયા, બ્રાઝીલ, ઇક્વાડોર, કોલંબિયા, કોસ્ટા રિકા, મેક્સિકો અને સ્લોવેનિયાએ સંસદના માધ્યમથી તેને રાષ્ટ્રીય કાયદો પણ બનાવ્યો. અમેરિકીએ ૨૦૧૫માં પોતાના દેશમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપી હતી. તો દુનિયામાં આશરે પાંચ દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સંયુક્ત અરબ અમીરાત, કતર અને મોરિટાનિયામાં સમલૈંગિક સંબંધો પર મોતની સજા આપવામાં આવે છે.