અમદાવાદ : જૂની પેન્શન સ્કીમ સહિતની વિવિધ માંગણીઓને લઇ ગુજરાત સહિત વિવિધ રાજયોના ન્યાય ખાતાના કર્મચારીઓ લડાયક મૂડમાં આવી ગયા છે. ઓલ ઇન્ડિયા જયુડીશીયલ એમ્પ્લોઇ કન્ફેડરેશનની તાજેતરમાં આંધ્રપ્રદેશ ખાતે મળેલી મહત્વની સભામાં સમગ્ર દેશમાં સમાન કામ, સમાન વેતન, નવવર્ધિત પેન્શન યોજનાના બદલે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે જા સમાધાનકારી ઉકેલ નહી આવે તો, આગામી દિવસોમાં રાષ્ટ્રવ્યાપી હડતાળ સહિતના કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાત રાજય તરફથી ગુજરાત રાજય ન્યાય ખાતા કર્મચારી મહામંડળના પ્રમુખ રાજુભાઇ બ્રહ્મભટ્ટ, જનરલ સેક્રેટરી આશિષ એન.કુહાડીયા તથા એઆઇજેઇસીના સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ ઇકબાલભાઇ માલવત સહિતના પ્રતિનિધિઓએ હાજરી આપી ગુજરાતનો સૂર રજૂ કર્યો હતો.
ગુજરાત સહિત વિવિધ રાજયોના ન્યાય ખાતાના કર્મચારીઓની જૂની પેન્શન સ્કીમ સહિતની વિવિધ માંગણીઓને લઇ ઓલ ઇન્ડિયા જયુડીશીયલ એમ્પ્લોઇ કન્ફેડરેશનની મળેલી આ સભામાં એઆઇજેઇસીના વેસ્ટ ઝોનના પ્રમુખ તરીકે રાજુભાઇ બ્રહ્મભટ્ટની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. એઆઇજેઇસીની સભામાં ન્યાય ખાતાના કર્મચારીઓ અને આગેવાનો દ્વારા સમાન કામ, સમાન વેતન, નવવર્ધિત પેન્શન યોજનાના બદલે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા સહિતની માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો અને આ મામલે સરકારને તાકીદે સમાધાનકારી હલ લાવવા અનુરોધ કરાયો હતો.
સાથે સાથે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે, જા આગામી દિવસોમાં તેઓની ઉપરોકત માંગણીઓ પરત્વે સમાધાનકારી કે સંતોષજનક ઉકેલ નહી આવે તો એઆઇજેઇસી દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. આ માટેની રણનીતિ અંગે પણ સભામાં ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ન્યાય ખાતાના કર્મચારીઓ-આગેવાનોએ સભામાં ભાગ લીધો હતો.