બીસીસીઆઈએ સોમવારે ભારતીય ટીમના આગામી ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતના આગામી બન્ને પ્રવાસમાં કુલ ત્રણ જુદી જુદી ફોરમેટ માટે ત્રણ કપ્તાનની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટી૨૦ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે શિખર ધવનને કિવી સામેની વન-ડેમાં સુકાન સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૧૮ નવેમ્બરથી વિલિંગ્ટનમાં ત્રણ ટી૨૦ પૈકીની પ્રથમ ટી૨૦નો પ્રારંભ થશે જ્યારે ૨૫ નવેમ્બરથી વન-ડે સિરીઝ યોજાશે. બોર્ડે કાર્યબોજના સંતુલનને મહત્વ આપતા ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ઓપનર કે એલ રાહુલ અને વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને આરામ આપવાનો ર્નિણય પસંદગીકારોએ કર્યો છે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી૨૦ અને વન-ડે બન્ને શ્રેણીમાં રિશભ પંત ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન રહેશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કે એલ રાહુલ, દિનેશ કાર્તિક અને અનુભવી ઓફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે કિવી સામેની સિરીઝમાં આરામ આપવામાં આવશે. જ્યારે ડિસેમ્બરમાં ભારતીય ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે અને રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વન-ડે તેમજ ટેસ્ટ શ્રેણી રમશે. બાંગ્લાદેશ સામે ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચમાં કોહલી અને અશ્વિનની પણ ટીમ ઈન્ડિયામાં વાપસી થશે. બોર્ડ દ્વારા સૌપ્રથમ વખત એક સાથે ચાર ફોરમેટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. એશિયા કપ વખતે ઘૂંટણની ઈજાને લીધે વર્તમાન ટી૨૦ વર્લ્ડ કપમાં ટીમમાં સ્થાન નહીં મેળવી શકનાર ડાબોડી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ બાંગ્લાદેશ સામે વન-ડે શ્રેણીથી કમબેક કરશે. જ્યારે ભારતના આધારભૂત ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આ બન્ને પ્રવાસમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે ટી૨૦ વર્લ્ડ કપ પૂર્વે બુમરાહને પીઠમાં ઈજા થતાં તેણે વર્લ્ડ કપ ગુમાવવો પડ્યો હતો. પસંદગીકાર સમિતિના ચેરમેન ચેતન શર્માએ જણાવ્યું હતું કે, ખેલાડીઓના કાર્યબોજને ધ્યાનમાં રાખીને ચાર જુદી જુદી ટીમની જાહેરાત કરવામાં આવી છે. કોઈ ખેલાડીને આરામ કરવાની ઈચ્છા દર્શાવી નહતી. વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે આ ર્નિણય લેવાયો છે.
મેડિકલ ટીમ પાસેથી અમને રિપોર્ટ મળ્યા હતા અને તેમાં ક્યા ખેલાડીને ક્યારે આરામ આપવો અને તેને કેવી રીતે ઉપયોગમાં લેવો તે જણાવાયું હતું. દિનેશ કાર્તિક દ્વારા હાલ રમાઈ રહેલા ટી૨૦ વર્લ્ડ કપમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન નહીં રહેતા તેના ભાવિ અંગે પૂછતાં ચેતન શર્માએ જણાવ્યું હતું કે, તમિલનાડુના બેટ્સમેન માટે હજુ બધુ સમાપ્ત નથી થયું. બાંગ્લાદેશ સામેની વન-ડે સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં યશ દયાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. યશ દયાલ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમે છે અને તે બાંગ્લાદેશ સામે વન-ડેમાં ડેબ્યૂ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં ચેતેશ્વર પુજારા કમબેક કરશે.