બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હવે પોતાની આગામી ફિલ્મમાં એકદમ નવા અવતારમાં જોવા મળવાની છે. સારા જબરદસ્ત સ્ટાઇલ આઇકોન તરીકે જાણીતી છે. હવે તે ‘એ વતન મેરે વતન’ નામની પિરિયડ ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. જેમાં તેનો લુક એકદમ સિમ્પલ જોવા મળે છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે, જેમાં સારા અલી ખાન સ્વાતંત્ર્ય સેનાનીના રોલમાં હશે. ભારતના ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણી પહેલા પ્રાઇમ વિડીયોએ આગામી એમેઝોન ઓરિજિનલ ફિલ્મ ‘એ વતન મેરે વતન’નો ફર્સ્ટ લુક લોન્ચ કર્યો હતો. જે આઝાદી માટે સંઘર્ષ કરનાર ભારતના નીડર નાયકોને શ્રદ્ધાંજલિ સમાન છે. ધર્માટિક એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર અને અપૂર્વ મહેતા કરી રહ્યા છે, જ્યારે સહ-નિર્માતા સોમન મિશ્રા છે. કન્નન ઐય્યર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત થ્રિલર ડ્રામા છે. આ ફિલ્મ દારાબ ફારૂકી અને કન્નન અય્યરે લખી છે.
આ ફિલ્મમાં સારા અલી ખાન બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીનો રોલ કરશે. ‘એ વતન મેરે વતન’ વિશ્વના ૨૪૦થી વધુ દેશોમાં પ્રાઇમ મેમ્બર્સને જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનો ફર્સ્ટ લૂક વિડિયો લોન્ચ કરવામાં આવ્યો હતો, જે આપણને ભૂતકાળમાં લઈ જાય છે. જેમાં આપણે એક યુવતીને જોઈએ છીએ. તે યુવતી અત્યંત ચિંતિત હોવા છતાં ઝાંખા પ્રકાશવાળા ઓરડામાં રેડિયો જેવું લાગતું ડિવાઇસ એસેમ્બલ કરે છે. આ યુવતી સારા અલી ખાન હોય છે. જેને દર્શકોએ આ પહેલા ક્યારેય નોન ગ્લેમરસ અવતારમાં જોઈ નથી. આગળ જોવા મળે છે કે, સારા રેડિયો પર બોલવાનું શરૂ કરે છે, તેનો અવાજ દ્રઢ નિશ્ચય અને હિંમત દર્શાવે છે અને તે અંડરગ્રાઉન્ડ રહેલા રેડિયો સ્ટેશન થકી આખા દેશ સાથે સ્વતંત્રતાનો સંદેશ શેર કરે છે. દરમિયાન તેના દરવાજા પર વારંવાર ટકોરા પડતાં હોય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ‘એ વતન મેરે વતન’ થ્રિલર-ડ્રામા છે, જે સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. તે મુંબઈની એક કોલેજમાં અભ્યાસ કરતી બહાદુર યુવતીની સ્ટોરી છે. આ યુવતી સ્વાતંત્ર્ય સેનાની બને છે. આ કાલ્પનિક સ્ટોરી ૧૯૪૨માં ભારત છોડો આંદોલનના બેકગ્રાઉન્ડ પર સેટ કરવામાં આવી છે.