અમદાવાદ : વિદેશમાં લોન આપવાના બહાને કે પછી, બેન્કના અધિકારી બનીને લોકો પાસેથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડના પિન નંબર અને ઓટીપી નંબર લઇને લાખોનો બારોબાર ટ્રાન્સફર કરવાનાં કોલ સેન્ટરો ધમધમી રહ્યાં છે. ત્યારે હવે શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપીને ઠગાઇ આચરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ સાયબર ક્રાઇમે કરી નવ લોકોની ધરપકડ કરી છે. ઠગ ટોળકીઓએ હવે શોર્ટક્ટથી રૂપિયા કમાવવા માટે ઠેર ઠેર નાનાં મોટા કોલ સેન્ટરો શરૂ કરી શેરબજારમાં રોકાણના નામે લોકોને ફસાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ સાયબર ક્રાઇમમાં મળેલી ફરિયાદને પગલે ચુનંદા અધિકારીઓની ટીમે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી નાંખ્યો હતો અને નવ આરોપીઓની ધરપકડ કરી હતી.
આ અંગે સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.બારડના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડ મામલે એક વ્યકિતએ નવ લાખની છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાવી હતી. શેરબજારમાં ઇન્વેસ્ટ કરવાનું કહીને ભોગ બનનાર વ્યકિતને ગઠિયાઓએ વિશ્વાસમાં લીધી હતી. થોડાક દિવસ સુધી શેરબજારની અલગ અલગ લોભામણી સ્કીમો બતવીને ભોગ બનનારનો વિશ્વાસ કેળવ્યો હતો. ભોગ બનનારને વિશ્વાસ આવી જતાં તેણે ગઠિયાનાં ખાતાંમાં નવ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. નવ લાખ રૂપિયા ટ્રાન્સફર થતાંની સાથે જ ગઠિયાએ તેનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. આ મામલે સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
તપાસ કરતાં સાયબર ક્રાઇમના અધિકારીઓને બાતમી મળી હતી કે આશ્રમરોડ પર આવેલ વાસુકાનન એપાર્ટમેન્ટમાં એક બોગસ કોલ સેન્ટર ધમધમી રહ્યું છે. બાતમીના આધારે સાયબર ક્રાઇમના પોલીસ કર્મચારીઓએ દરોડા પાડ્યા હતા. જેમાં નવ લોકોની ધરપકડ કરી હતી. કોલ સેન્ટર ચલાવતા મુખ્ય સુત્રધારની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે, લોકો પાસેથી શેરબજારના નામે રૂપિયા ઇન્વેસ્ટ કરાવીને ઠગાઇ આચરતા હતા. ધરપકડ કરાયેલા નવ યુવક લોકોને ફોન કરતા હતા અને શેરબજારની સ્કીમ સમજાવીને તેમને વિશ્વાસમાં લેતા હતા. જ્યારે કોઇ વ્યકિત શેરબજારમાં ઇન્વેસ્ટ કરવામાં તૈયાર થાય ત્યારે તેને બેન્કનું એકાઉન્ટ આપતા હતા. જે તે વ્યકિત બેન્કના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવે ત્યારે યુવકો તેમનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેતા હતા. સાયબર ક્રાઇમના અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે કોઇ ઠગાઇનો ભોગ બને ત્યારે તે ટોળકીઓ તેમનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેતા હતા. પોલીસે હવે તમામ આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.