પટણા : મુજફ્ફરપુર શેલટર હોમમાં બાળકીઓ સાથે અત્યાચારના મામલામાં રાજકીય ઘમસાણની સ્થિતિ વધુ તીવ્ર બની ગઈ છે. મુખ્ય વિરોધ પક્ષ આરજેડી તરફથી મુખ્યમંત્રી નીતિશકુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. બીજી બાજુ સત્તારૂઢ જેડીયુએ રાજીનામા માટેની તમામ માંગણી ફગાવી દીધી છે અને કહ્યું છે કે આરોપીઓ સામે કઠોર કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ચુકી છે.
જેડીયુએ આક્ષેપ કર્યો છે કે શરાબ અને જમીન માફિયાના દબાણમાં આરજેડી નીતિશના રાજીનામાની માંગણી કરે છે. મુજફ્પરપુર શેલટર હોમમાં બાળકીઓ સાથે અત્યાચારના મામલામાં દિલ્હીમાં જંતરમંતર ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા બાદ આને લઈને પણ ચર્ચા છેડાઈ ગઈ છે. વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી અને વિપક્ષના મોટા નેતા સામેલ થયા હતા પરંતુ ત્યા પણ ખેંચતાણની સ્થિતિ રહી હતી કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી એકબીજાની સામે આવ્યા ન હતા.
જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું છે કે બિહારમાં નીતિશ સરકાર દ્વારા કઠોર પગલાંના પરિણામ સ્વરૂપે શરાબ કારોબારીઓમાં ખળભળાટ મચી ગયો છે. આરજેડીનું હંમેશા તેમને સમર્થન રહ્યું છે. આરજેડી અને શરાબ કારોબારીઓ વચ્ચે સાંઠગાંઠ રહેલી છે. માફિયાઓ ઈચ્છે છે કે નીતિશ કુમારનું શાસન જતું રહે જેથી તેમની મોજ મસ્તી ફરી શરૂ થઈ જાય. જેડીયુના નેતાએ કહ્યું હતું કે નીતિશકુમારને લોકોએ ચુંટી કાઢ્યા છે.
નીતિશકુમારના જવાનો મતલબ એ થશે કે બિહારમાં ફરી એકવાર અરાજકતાનું વાતાવરણ સર્જાઈ જશે અને જંગલરાજ ફરી સ્થાપિત થઈ જશે. નીતિશને દુર કરવા માટે ચુંટણીમાં અમને હાર આપવી પડશે. અપરાધ, ભ્રષ્ટાચારીઓ સામે સરકાર બાંધછોડ કરશે નહીં અને કઠોર કાર્યવાહી જારી રાખશે.