અમદાવાદ: અમદાવાદના ઓઢવના ૨૦ વર્ષ જૂના ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ધરાશાયીની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. આ સમગ્ર પ્રકરણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને તંત્રની ઘોર બેદરકારી સામે આવતાં ગરીબ આવાસ યોજનાના રહીશોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે. આજે સેંકડોની સંખ્યામાં અહીંના સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કરી રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. વૈકલ્પિક વ્યવસ્થા ન થવાના કારણે આંદોલનમાં શરૂ કરાયું હતું. હાઇવે ચક્કાજામ થતાં એક તબક્કે પોલીસે રહીશો પર હળવો લાઠીચાર્જ કર્યો અને મહિલાઓની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો, જેને લઇ વાતાવરણ તંગ બની ગયું હતું.
ઓઢવની ઇન્દિરા ગરીબ આવાસ યોજનામાં તાજેતરમાં બે બ્લોક ધરાશયી થયા બાદ હવે અમ્યુકો તંત્ર દ્વારા બાકીના ૮૨ બ્લોકનો સ્ટ્રકચરલ એÂન્જનીયરો દ્વારા સર્વે હાથ ધરાયો હતો, જેમાં બ્લોક નંબર-૨૬, ૪૧, ૫૭, ૫૮, ૫૯ અને ૬૦ એમ છ બ્લોક ભયજનક જાહેર કરાયા હતા. એટલું જ નહી, આ તમામ બ્લોકના રહેવાસીઓને તાત્કાલિક બ્લોક ખાલી કરવાની સત્તાવાળાઓ દ્વારા સૂચના આપી આ અંગે સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરી છે.
બીજીબાજુ, અમ્યુકો સત્તાધીશો દ્વારા અહીંના સ્થાનિક રહીશોને રેનબસેરામાં રાખવાની વ્યવસ્થા કરાઇ છે પરંતુ રહીશો ત્યાં રહેવા તૈયાર નથી, તેઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે આપવાની તંત્ર પાસે માંગણી કરી છે. જેને લઇ હાલ રહીશો અને તંત્ર આમને સામને આવી ગયા છે, ગઇકાલે મોડી રાત સુધી અમ્યુકો સત્તાધીશો દ્વારા સ્થાનિક રહીશોને સમજાવવાના ભારે પ્રયાસો કર્યા હતા.
જો કે, લોકોમાં હજુ બે બ્લોક પડી ગયાનો ઉગ્ર આક્રોશ સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરના ઓઢવમાં ગુરુદ્વારા પાસેના ૨૦ વર્ષ જૂના ઈન્દિરા ગરીબ આવાસ યોજના અંતર્ગત બનાવાયેલા શિવમ ફ્લેટના સી બ્લોકના ૨૩ અને ૨૪ નંબરના બે બ્લોક રવિવારે સાંજે ધરાશાયી થતાં દસથી બાર લોકો દટાયા હતા. આઠ કલાકના રેસ્કયૂના અંતે કાઢવામાં આવેલા પાંચથી વધુ લોકોને ઈજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યકિતનું કરૂણ મોત નીપજયુ હતું.