ઓમ શ્લોક છે,રામ લોક છે.
રામ સિતાને નહિ શબરીને શોધવા ગયા છે.
મારે લોકો ભેગા નથી કરવા,લોકોને એક કરવા છે
કથાના બીજા દિવસે યોગાનુયોગ આ સંસ્થાના પ્રણેતા નાનાભાઈ ભટ્ટની પુણ્યતિથિ.એક એવી વિદ્યાપીઠ જ્યાં જીવનને શિક્ષણનું અભિન્ન અંગ માનવામાં આવે છે.માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પણ શિક્ષકની સાથે આજીવિકા,આત્મનિર્ભરતાના પાઠ શીખવતી સંસ્થા.છાત્રાલયને જીવન જીવવા સમૂહ જીવનની આવી વિદ્યાપીઠ અને વ્યાસપીઠ બંનેના ગોત્ર એક જ છે.બંને લોકશિક્ષણ લોકજાગૃતિના પુણ્ય કાર્ય કરી રહ્યા છે.આરંભે સંગીતવૃંદ દ્વારા સંગીત બાદ માધવી શેખ નામની છાત્રા દ્વારા શબરીના પાત્રની એકોક્તિથી પછી અરુણભાઈ દવેનું અસ્ખલિત વક્તવ્ય યોજાયું.
બાપુએ જણાવ્યું કે આમ તો મૂળ ઋષિ હતા જ, લોકો વચ્ચે આવ્યા અને લોકઋષિ બન્યા તેના અસ્થિ કળશ પધરાવ્યા છે ત્યાં હું ઉતર્યો છું એને ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ.શબરીરૂપી ભક્તિ સદૈવ યુવાન હોય છે.જેના માત્ર હોઠ હલતા હતા ને હૃદય બોલતું હતું એવા અરુણભાઈનાં વક્તવ્યને પણ યાદ કરી અને ગાયું કે:કેમ તમે આવ્યા છો એમ નહીં પૂછજે,એને ધીરે ધીરે રોવા દે’જે,આવકારો મીઠો આપજે! મોટા પ્રમાણમાં શિક્ષણવિદો,દરેક ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં બાપુએ કહ્યું કે હું ભરોસો આપું છું કે કાયમ વ્યાસપીઠ આપની સાથે રહેશે. મારી વ્યાસપીઠે કરવાનું શું છે?મારે તિલક કરવા કે માળાઓ નથી નાખવી,મારે તો ગાંધી,વિનોબા, જુગતરામ અને નાનાબાપા જેવા માણસો છેલ્લા માણસ સુધી ગયા છે.રામાયણએ પણ એ જ કર્યું છે,એ કામ કરવાનું છે.રામ સીતાને શોધવા થોડા ગયા હતા! સીતારામ તો વાણી અને અર્થની જેમ એક જ છે.રામ શબરીને ગોતવા ગયા હતા. નાનાભાઈ ભટ્ટ વિશે કહ્યું કે પ્રશ્નોરા બ્રાહ્મણ અને ચુસ્ત સનાતની હતા પણ ધીરે-ધીરે સમજપૂર્વક બધું છોડતા ગયા.એણે ઓમની પણ વાત કરી અને રામની પણ વાત કરી.ઓમ શ્લોક છે,રામ લોક છે. ફૂલછાબના તંત્રી વિશે બાપુએ કહ્યું કે મારા પરમ આદરણીય અને ફૂલછાબના તંત્રી જવલંતભાઈ છાયાએ પણ કથાનાં એક દિવસ પહેલા સુંદર સમન્વય ગ્રામવિદ્યા બાબતે કરીને સરસ લેખ લખેલો. આમ મારે કંઈ કરવાનું નથી પણ આ જ કરવાનું છે! લોકો ભેગા નથી કરવા લોકોને એક કરવા છે નાનાભાઈ કહેતા કે સનાતન ધર્મના મૂળનું પણ મૂળ ક્યુ છે? ઘણાને અકારણ ખોટું લાગે છે,રિસાઈ જાય છે.રિસાય એ છોકરું જ હોય!
*આગિયો તેજ પૂંજ સૂરજને આજે એનો હરિફ સમજે છે.*
*ગૂઢ ભાષા નથી સમજાતી માણસો તો ખાલી ગાજવીજ સમજે છે.*
*મૌન રહીને જૂએ છે તાસિરો આમ સઘળું એક ફકીર સમજે છે.*
*કોઈ પૂજા કરે છે ધરતીની કોઈ કેવળ જમીન સમજે છે.*
*જીવવું એટલે જ ઓગળવું આટલું તો મીણ સમજે છે.*
૩૧ ડિસેમ્બરે બાપુએ ખાસ કહ્યું કે આવતી કાલે ઈસુનું નવું વર્ષ.ચારે બાજુ વાઇન-ડાઇનની વાતો ચાલે છે ત્યારે નવા વર્ષે ચાલો આપણે વાઈન-ડાઈન ની જગ્યાએ ફાઈન-ડિવાઇનની સ્થાપના કરીએ.
વેદભારતિનાં હાથમાં વીણા છે,લોકભારતીના હાથમાં વાવણિયું છે.લોકભારતીના હાથમાં ભેદમુક્ત વિચાર છે.સનાતન ધર્મનો મંત્ર કયો?મંત્ર એટલે વિચાર પણ કહેવાય.સ્વથી સર્વ સુધી વિશ્વમંગલનો વિચાર.અને એવા વિચાર કરતી આ સંસ્થામાં તેલ નહીં ખૂટે.હવે તો સોલાર સિસ્ટમ આવી છે.સૂર્યવંશની આ કથા તેલ ખુટવા નહીં દે.તુલસી કહે છે રામ વેદનો પણ પ્રાણ છે.ઘણા કહે નિરાકાર એ રામ છે.ઠીક છે નિરાકારને આપ સ્વીકાર કરો છો એટલું સારું!તુલસીનો રામ નિરાકાર અને સાકારની ઉપર એક તત્વ છે.રામનું નામ નિરાકાર અને સાકારની ઉપર છે.જે સમાજ પોતાની જાતને સમજદાર બુદ્ધિમાન સમજે છે,હું જે બોલું છું એનો સૂક્ષ્મભાવ કેમ નહીં પકડી શકતા હોય?કીડીના પગનું નૂપુર પણ સાંભળી શકે એ મારા નિવેદનને કેમ સમજતા નથી!સમજાય તો છે પણ ટીકા કરવા મોકા શોધે છે.
જે કથા સમસ્ત લોકનું કલ્યાણ કરે એવી કથા પાર્વતી પૂછે છે.વંદના પ્રકરણમાં હનુમંત વંદના થઈ હનુમાનજી રામાયણના પાંચ પ્રાણની રક્ષા કરે છે. રામચરિત માનસના પંચ પ્રાણ:રીંછ-વાંદરાઓ,ભરત, લક્ષ્મણ સીતાજી અને સુગ્રીવ છે-જેની રક્ષા હનુમાનજીએ કરી છે.એમાં પણ વ્યાન,અપાન,સમાન વગેરે પણ છે.ખાલી ધાર્મિક રીતે જ હનુમાનને ન સ્વીકારતા એ પરમ તત્વ છે એમ સમજજો.સનાતન ધર્મનાં પંચપ્રાણ દેશ, કાળ, ઇતિહાસ,ભૂગોળ અને પાત્ર છે.