આ બોલિવૂડ સુપરસ્ટારના નામે ચંદ્ર પર છે જમીન

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

આજે તમામ દેશવાસીઓના હ્રદયના ધબકારા વધી ગયા છે. કારણ કે, આજે ભારત ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ભારતના મૂન મિશન એટલે કે ચંદ્રયાન-૩નું લેન્ડર સાંજે ૬ વાગીને ૪ મિનિટે ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. સવારથી સોશિયલ મીડિયાથી લઇને ટીવી ચેનલો પર ફક્ત આ જ સમાચાર છવાયેલા છે. ચંદ્રયાન-૩ને લઇને ક્યાંક ભય છે તો ક્યાંક ખુશીનો માહોલ પણ છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડમાં એવા બે એક્ટર્સ છે જેની પાસે ચાંદનો ટુકડો છે. જી હા! આ સ્ટાર્સ પાસે ચંદ્ર પર જમીન છે. તેમાં સુશાંત સિંહ રાજપૂત અને શાહરૂખ ખાનનું નામ સામેલ છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ચાંદ-સિતારાની દુનિયાથી ખૂબ જ પ્રેમ હતો.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતે વર્ષ ૨૦૧૮માં ચંદ્ર પર જમીન ખરીદી હતી. સુશાંતે ત્યારે દાવો કર્યો હતો કે તેણે ચંદ્ર પર જમીન ઇન્ટરનેશનલ લૂનર લેંડ્‌સ રજીસ્ટ્રી પાસેથી ખરીદી હતી. તેની આ જમીન ચંદ્રના સી ઓફ મસકોવી વિસ્તારમાં છે. તેણે આ જમીન ૨૫ જૂન ૨૦૨૧૮ના રોજ પોતાના નામે કરાવી હતી. તે ચંદ્ર પર જમીન ખરીદનાર બોલિવૂડનો પહેલો એક્ટર હતો. જો કે સુશાંત સિંહ રાજપૂત પહેલા બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનને પણ કોઇ ફેને ચંદ્ર પર જમીન ગિફ્ટ કરી હતી.

શાહરૂખ ખાનનો આ ફેન ઓસ્ટ્રેલિયામાં રહે છે. આ જ રીતે ૨૦૦૨માં હૈદરાબાદના રાજીવ બાગડી અને ૨૦૦૬માં બેંગલોરના લલિત મોહતાએ પણ ચંદ્ર પર જમીન ખરીદવાનો દાવો કર્યો હતો. આ લોકોનું માનવું છે કે એક સમયે તો માનવીએ ચંદ્ર પર વસવાટ કરવાનો છે. શું કહે છે કાયદો.. જે જણાવીએ, ચંદ્ર પર પ્લોટ લેવો ફક્ત ફેશન કે ભાવના જાહેર કરવાની એક રીત છે. સૌકોઇ જાણે છે કે ચંદ્ર પર વસવાટ શક્ય નથી. ભારત જ નહીં પરંતુ અન્ય ઘણા દેશના લોકો ચંદ્ર પર જમીન ખરીદી ચુક્યા છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, દુનિયામાં બે સંસ્થાઓ લૂના સોસાયટી ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ લૂનર લેંડ્‌સ રજીસ્ટ્રી ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે. તેમનો દાવો છે કે, દુનિયાના ઘણા દેશોએ તેને ચંદ્ર પર જમીન વેચવાની સત્તા આપી છે. પરંતુ તેનું કોઇ પ્રમાણ નથી. જો કે આ સંસ્થાઓની વેબસાઇટની લિંક નથી ખુલી રહી.

ઇન્ટરનેશનલ સ્પેસ કાયદા અનુસાર, ચંદ્ર પર જમીન ખરીદવી કાયકાદીય રીતે માન્ય નથી. આ જ કારણ છે કે ખગોળીય પિંડ એટલે કે ચંદ્ર, તારા અને અન્ય ખગોળીય વસ્તુઓ કોઇપણ દેશના આધીન નથી આવતા. ૧૯૬૭ની આઉટર સ્પેસ ટ્રીટી અનુસાર, સ્પેસમાં કોઇપણ ગ્રહ કે તેના ઉપગ્રહ પર કોઇપણ એક દેશ કે વ્યક્તિનો અધિકાર નથી. ભારત સહિત ૧૧૦ દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આઉટર સ્પેસ એક જોઇન્ટ પ્રોપર્ટી છે. કોઇ અધિકાર વિના કંપનીઓ ચંદ્ર પર જમીનની રજીસ્ટ્રીનો દાવો કરે છે. આ એક ગોરખધંધો છે. માત્ર કાગળનો ટુકડોઃ ચંદ્ર પર જમીન વેચવાનો બિઝનેસ પાછલા કેટલાંક વર્ષો ફૂલ્યોફાલ્યો છે. લૂનર રજીસ્ટ્રી ડોટ કોમ અનુસાર, ચંદ્ર પર એક એકર જમીનની કિંમત ૩૭.૫૦ અમેરિકન ડોલર છે. ભારતીય કરન્સીમાં આ રકમ આશરે ૩૧૧૨.૫૨ રૂપિયા થાય છે. આ કિંમત ઘણી ઓછી છે. આ જ કારણ છે કે લોકો ભાવુક થઇને રજીસ્ટ્રી કરાવી લે છે. જો કે આ રજીસ્ટ્રી ફક્ત કાગળનો ટુકડો છે. આ જ કારણ છે કે કાયદાની નજરમાં આ રજીસ્ટ્રીનું કોઇ મહત્વ નથી. એટલે કે ચંદ્ર પર જમીન ખરીદવાનો કોઇ ફાયદો નથી. તેથી લોકોને આવા ચક્કરમાં પડવાનું ટાળવું જોઇએ.

Share This Article