સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદી માહોલ વચ્ચે કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. આના કારણે પ્રદુષણના સ્તરમાં પણ સુધારો થયો છે. પાટનગર દિલ્હી અને એનસીઆર તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદ થતા ઠંડીમાં વધુ વધારો થયો છે. એનસીઆરની સાથે સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઇ છે. ગુરૂવારે મોડી રાત્રે એકાઅક હવામાનમાં પલટો આવ્યો હતો અને દેશના જુદા જુદા ભાગોમાં વરસાદ થયો હતો. જેમાં ગુજરાતના વિવિધ ભાગો પણ વરસાદ થયો હતો. ૧૫મી ડિસેમ્બર સુધી તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ શકે છે. કરા સાથે વરસાદ થયો છે. વરસાદના કારણે આશરે ૧૦૦ ફ્લાઇટો પર અસર થઇ છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ છે. બુધવાર રાત્રેથી જ હિમાલય પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલ માટે આગામી ૪૮ કલાક માટે હિમવર્ષા માટે એલર્ટ જારી છે. કેદારનાથ અને બદ્રીનાથમાં પણ ભારે હિમવર્ષા જારી છે. જેથી ચારેબાજુ બરફના થર જામી ગયા છે.
સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી દોડી રહી છે. રેલવે સ્ટેશન પર યાત્રી બેહાલ બન્યા છે.
એક તરફ ધુમ્મસ અને બીજી તરફ ઠંડીમાં વધારાના કારણે લોકોને લાંબા સમય સુધી ઠંડીમાં ઠુઠવાઈને પણ ટ્રેનની રાહ જોવી પડી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, ધુમ્મસે રેલવે ટાઈમ ટેબલ જેવું કંઇ રહેવા દીધું નથી. કોઇપણ ટ્રેનના સમયમાં વારંવાર ફેરફાર કરવા પડી રહ્યા છે. જેને લઇને જો ટ્રેનના ઉપડવાના સમયને સાચો બતાવવામાં આવે તો પણ મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે.
આ ઉપરાંત વિમાની સેવાને પણ માઠી અસર થઇ છે. નવ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વિલંબ થયો છે. ટ્રેનો લેટ થવા અને ફ્લાઇટોમાં વિલંબ થવાના કારણે લાખોના સંખ્યામાં લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા છે. ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે. છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે.
ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં શ્રેણીબદ્ધ ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે. કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. કેદારનાથમાં પણ ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયુ છે. દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં તો પારો એક ડિગ્રી કરતા પણ નીચે પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ, છત્તિસગઢ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં પણ હાલત કફોડી બનેલી છે.