મલેશિયાની ચૂંટણીમાં ૯૨ વર્ષીય દિગ્ગજ નેતા મહાતિર મોહંમદના ગઠબંધને છેલ્લા ૬ દાયકાથી દેશ પર શાસન કરી રહેલા ગઠબંધનને હરાવી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ૯૨ વર્ષીય મહાતિરે ૬૪ વર્ષીય વડાપ્રધાન નજીબ રઝાકના પક્ષ બેરિશન નેશનલને કારમી હાર આપી છે.
ઉલ્લેખનીય છે કે બેરિસન નેશનલ ૧૯૫૭થી સત્તા પર હતો. જો કે મહાથિર બીજી વખત મલેશિયાના વડાપ્રધાન બનશે. આ અગાઉ તેઓ ૧૬ જુલાઇ, ૧૯૮૧થી ૩૧ ઓક્ટોબર, ૨૦૦૩ સુધી મલેશિયાના વડાપ્રધાન રહી ચૂક્યા છે. મહાતિરે ચૂંટણી હારનારા વડાપ્રધાન નજીબ રઝાક અને તેમના પક્ષ પર મલેશિયાને ખૂબ ખરાબ સ્થિતિમાં લઇ જવાનો આરોપ મૂક્યો હતો.
મુસ્લિમ બહુમતી ધરાવતા મલેશિયામાં આજના ચૂંટણી પરિણામોને ચોંકાવનારા ગણવામાં આવી રહ્યાં છે. ભ્રષ્ટાચારને કારણે નજીબ રઝાકની છબિને નુકસાન પહોંચ્યુ હતું. મહાતિરે ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી જણાવ્યું હતું કે અમારા ઘણા બધા કામ કરવા પડશે. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી અનિયમિતતા અને ગેરરીતિઓને દૂર કરવી પડશે.
આ પરિણામ પછી મહાતિરના સમર્થકો કુઆલા લુમ્પુરની સડકો પર જોરદાર ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ૨૨૨ સભ્યોની સંસદમાં વિપક્ષે ૧૩૫થી વધુ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે.