અમદાવાદઃ કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (આઇસીએસઇ) પણ હવે હાલમાં ચાલી રહેલા આ શૈક્ષણિક વર્ષમાં સ્કૂલની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનાં પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવતાં હતાં, પરંતુ હવે ધોરણ-૯ અને ધોરણ-૧૧ની પરીક્ષા પણ હવે બોર્ડ દ્વારા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે માટે આઇસીએસઇ બોર્ડે તજવીજ હાથ ધરી છે.
નવી પધ્ધતિના ફેરફારમાં પરીક્ષાનાં પેપર બોર્ડ પોતાના સ્તરે જ તૈયાર કરાવશે. ધોરણ-૯ અને ૧૧ની પરીક્ષા બે સત્રમાં લેવાશે. ધોરણ-૯ની પરીક્ષા ૧ર નવેમ્બરથી ર૮ નવેમ્બર સુધી અને ધોરણ-૧૧ની પરીક્ષા તા.૧ર નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી લેવાશે. ગુજરાતમાં ધોરણ-૯ની વાર્ષિક પરીક્ષા ૧૧ ફેબ્રુઆરી અને ધોરણ-૧૧ની વાર્ષિક પરીક્ષા ૧ ફેબ્રુઆરી, ર૦૧૯થી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી આઇસીએસઇની પરીક્ષાઓ શાળા કક્ષાએ લેવાતી હતી અને તેનાં પ્રશ્નપત્ર પણ શાળા કક્ષાએ તૈયાર કરવામાં આવતાં હતાં. આઇસીએસઇ દ્વારા ધોરણ-૯ અને ૧૧નાં પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષાના સમયે બોર્ડ દ્વારા જ તૈયાર કરાયા બાદ ઇ-મેઇલ દ્વારા શાળાઓને મોકલી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની જે.જી. ઇન્ટરનેશનલ, ઝાયડસ સ્કૂલ, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, તુલિપ, આનંદનિકેતન, કેલોરેક્સ, એસજીવીપી, સેવન્થ ડે, ડિવાઇન ઇન્ટરનેશનલ, અમદાવાદ ઇન્ટરનેશનલ, મધર ટેરેસા વર્લ્ડ સ્કૂલ વગેરે સહિત કુલ ૧પથી વધારે શાળાઓમાં આઇસીએસઇ બોર્ડ સાથે જોડાયેલી છે. જો કે, નવી સીસ્ટમને પગલે વિદ્યાર્થીઓએ હવે બોર્ડની પરીક્ષા જેવી તૈયારી માટે સજ્જ રહેવું પડશે.