કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટેન્ડિંગ ઓવેશન મેળવનારી ફિલ્મ રોકેટરીઃ ધ નામ્બિ ઈફેક્ટ હજુ ભારતમાં રિલીઝ થઈ નથી. ફિલ્મમાં ડિરેક્ટર અને લીડ એક્ટરની બેવડી જવાબદારી લેનારા આર. માધવને જણાવ્યું હતું કે, શાહરૂખ ખાન અને સુર્યાએ કોઈપણ ફી લીધા વગર રોકેટરીમાં કામ કર્યું હતું. ફિલ્મને સોશિયલ મીડિયા પર સપોર્ટ કરવા બદલ માધવને અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપરાનો પણ આભાર માન્યો હતો. માધવને એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યં હતું કે, શાહરૂખ કે સુર્યાએ ફિલ્મ માટે ફી લીધી ન હતી. તેમણે કોશ્ચ્યુમ્સ, આસિસ્ટન્ટ વગેરેનો ખર્ચ પણ માગ્યો ન હતો.
સુર્યા શૂટિંગ માટે મુંબઈ આવ્યો ત્યારે તેની ટીમ પણ સાથે હતી. આખી ટીમનો ખર્ચ તેણે ઊઠાવ્યો હતો. એટલું જ નહીં ડાયલોગ્સને ટ્રાન્સલેટ કરવા માટે બોલાવેલા રાઈટરનો ચાર્જ પણ તેણે ચૂકવ્યો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી મદદ મળી હોવાનું જણાવીને માધવને કહ્યું હતું કે, માત્ર એક રિક્વેસ્ટ પર અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપરાએ ફિલ્મના સપોર્ટમાં ટિ્વટ કર્યું હતું. માધવને ૨૦૧૮ના વર્ષમાં ઝીરો ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરૂખ સાથે રોકેટરીની ચર્ચા કરી હતી. ઝીરોમાં માધવનનો ગેસ્ટ એપિયરન્સ હતો. ત્યારબાદ શાહરૂખે પોતાની બર્થ ડે પાર્ટી દરમિયાન માધવનને યાદ કરાવ્યું હતું કે, તે માધવનની ફિલ્મમાં કામ કરવા માગે છે. રોકેટરી પહેલી જુલાઈએ હિન્દી ઉપરાંત મલયાલમ, તેલુગુ અને કન્નડમાં રિલીઝ થઈ રહી છે.