અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ડૉ. પ્રશાંતના 14 દિવસના રિમાન્ડની કરી માગ કરાઈ હતી. ત્યાર બાદ સેશન કોર્ટે ડૉ. પ્રશાંતના 7 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમજ ઓપરેશનની પ્રક્રિયા યોગ્ય હતી કે ખોટી તે બાબતે પૂછપરછ જરૂરી છે. આપને જણાવી દઈએ ગઇકાલે સાંજે ડૉ. પ્રશાંતની ધરપકડ થઈ હતી. કોર્ટે તપાસના આદેશો આપ્યા છે. અન્ય ડોક્ટરો કેટલો નાણાકીય લાભ મેળવ્યો તેની તપાસ જરૂરી છે.
આ હોસ્પિટલના મુખ્ય સંચાલક સહિત 4 આરોપી ફરાર હાલ ફરાર છે. કોર્ટમાં હાજર થયા બાદ બચાવ પક્ષે પણ કોર્ટમાં ઘણી દલીલો કરી હતી. તેમજ કડીના કેમ્પ સાથે આરોપીને કોઇ લેવા દેવા નથી તેવું બચાવ પક્ષનું કહેવું હતું. હાલ બોરીસણા ગામના ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો નોંધવા અને જવાબદારો સામે તાકીદે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આજે બોરીસણા ગામેથી પસાર થતા હાઇવે પર ગ્રામજનોએ ધરણા કરી વિરોધ કર્યો હતો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જ્યારે તેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના પૈસા મેળવવા માટે તેની જરૂર નહોતી. જેના કારણે બે દર્દીઓના મોત થયા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. જે બાદ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ મામલે પગલાં લેતા સરકારે ખ્યાતિ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી છે. એટલું જ નહીં, હોસ્પિટલના ડોક્ટર અને ડાયરેક્ટર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તેમ છતાં આજે બોરીસણા ગામના રોષે ભરાયેલા ગ્રામજનોએ જવાબદારો સામે તાકીદે કાર્યવાહી કરવા અને વધુ એક ગુનો નોંધવાની માંગણી સાથે હાઇવે પર દેખાવો કર્યા હતા. ગ્રામજનોની ફરિયાદ છે કે ખ્યાતિ હોસ્પિટલના તબીબો દ્વારા સારવાર કરાયેલા કેટલાક દર્દીઓની હાલત હજુ પણ નાજુક છે. અન્ય કોઈ હોસ્પિટલ તેમને દાખલ કરતી નથી. આથી દર્દીઓને સઘન સારવાર મળે અને મૃતકના પરિવારજનોને ન્યાય મળે તે માટે અમારે રોડ બ્લોક કરવાની ફરજ પડી છે.