અમદાવાદ : જાણીતા દિગ્ગજ અભિનેતા કિરણ કુમારની ફિલ્મ બાપ રે વિવાદોમાં છે. આ ફિલ્મની રિલીઝ પર કોર્ટે આજે મનાઇ હુકમ ફરમાવી દીધો હતો, જેને લઇ કિરણકુમાર અને તેની ટીમની મુશ્કેલી થોડી વધી હતી. બાપ રે ગુજરાતી ફિલ્મ આગામી તા.૧૮ જાન્યુઆરીનાં રોજ રીલીઝ થવાની હતી, પરંતુ કોર્ટે ફિલ્મની રીલીઝ પર રોક લગાવી દીધી છે. કિરણકુમારની ફિલ્મ બાપ રેની રીલીઝ સામે વાંધો ઉઠાવતી અને તેની રિલીઝ પર રોક લગાવવા માટેની માંગણી કરતી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, રિલીઝ થવા જઇ રહેલી આ ફિલ્મ ભૂતકાળમાં બનેલી ફિલ્મ બાપ રે બાપની નકલ છે.
ફિલ્મનાં ટાઇટલની સાથે સાથે ફિલ્મનો કોન્સેપ્ટ પણ એકસરખો છે. જેના કારણે ફિલ્મની નકલ અને કોપી મારી ફિલ્મ રિલીઝ કરવા સામે અરજદારને સખત વાંધો છે. અરજદારપક્ષ તરફથી આ ફિલ્મ રિલીઝ થવાથી તેમના હિત અને કોપીરાઇટના હક્કોને નુકસાન થવાની દહેશત વ્યકત કરી હતી અને તેથી ગુજરાતી ફિલ્મ બાપ રેની રિલીઝ અટકાવવા માટે અદાલતને વિનંતી કરી હતી. જેને ધ્યાનમાં લઇ કોર્ટે આ ફિલ્મની રિલીઝ સામે સ્ટે આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કિરણકુમારની બાપ રે ફિલ્મનાં નિર્દેશક નિરવ બારોટ છે. નિરવે આ પહેલા મલ્હાર અને મોનલ ગજ્જરની થઇ જશે ફિલ્મ ડિરેક્ટ કરી હતી. ફિલ્મ રીલીઝ નહી કરવાના કોર્ટના વચગાળાના સ્ટેને લઇ કિરણ કુમારને ઝટકો લાગ્યો છે. કિરણ કુમારે બોલીવુડમાં પણ ઘણું કામ કર્યું છે. તેમણે ૮૦થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જા કે, બાપ રે ફિલ્મ પર રોક લાગવી તે ફિલ્મની ટીમ માટે માઠા સમાચાર છે. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.