ગોંડલનાં વોરાકોટડા રોડ ઉપર સરકારી આવાસમાં ગઈકાલે ચોંકાવનારી ઘટના બની હતી ઉલટી થવાના કારણે બે સગા ભાઈઓના એકસાથે મોત નિપજ્યા હતી. રોહિત રાજેશભાઈ મકવાણા (ઉંમર ૦૩) અને હરેશ રાજેશભાઈ મકવાણા (ઉંમર ૧૩) નાં એકસાથે મોત થયા હતા. ત્યારે બંને બાળકોની હત્યા પિતાએ જ કરી હોવાનો ખુલાસો થયો છે. બંને માસૂમ બાળકો પોતાના નહિ હોવાની શંકાને લઈને ખૂદ પિતાએ જ માસૂમ પુત્રોને ઝેર પાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા. ગઈકાલે ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ ક્વાટરમાં રહેતા બે માસૂમ ભાઈઓના શંકાસ્પદ મોત થયા હતા. દરગાહમાં જમ્યા બાદ બંને બાળકો રોહિત મકવાણા (ઉ.વ.૩) અને હરેશ મકવાણા (ઉ.વ.૧૩) ના મોત નિપજ્યા હતા. બંને બાળકોને દરગાહના ન્યાજ ખાધા બાદ ઝેરી અસર થયાનું પિતા પ્રેમજીભાઈ મકવાણાએ રટણ કર્યુ હતું. બંને બાળકોના મોત શંકાસ્પદ હોવાથી આ કેસમાં પોલીસે તપાસ કરી હતી. અને બંને બાળકોના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ફોરેન્સિક પીએમ બાદ ખૂદ પિતાએ જ બંને બાળકોને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રેમજી મકવાણા અને તેની પત્નીના પંદર દિવસ પહેલા જ છુટાછેડા થયા હતા.
પ્રેમજી મકવાણા પત્ની ઉપર ચારિત્ર્ય અંગેની શંકા કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં પતિથી છૂટાછેડા લીધેલ પત્નીએ પતિના ચારિત્ર્ય અંગેની શંકાનો ખુલાસો કર્યો. પત્નીએ કહ્યું કે, લગ્ન સમયગાળા દરમિયાન પતિપત્ની વચ્ચે ચારિત્ર્યની શંકાને લઈને અનેક ઝગડા થતા હતા. તેથી બંને માસૂમ બાળકો પોતાના નહિ હોવાની શંકાને લઈને ખૂદ પિતાએ જ માસૂમ પુત્રોને ઝેર પાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા. ગોંડલ પોલીસે બંને બાળકોને મોતને ઘાટ ઉતારનાર પિતાને ઝડપી પાડીને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.